સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

જુનાગઢમાં બે યુવાન પાસે ખંડણી માંગી છ શખ્‍સોએ રૂા. ર.૧૦ લાખ પડાવી લીધા

બે શખ્‍સોની ગણતરીના કલાકોમાં ધરપકડ

જૂનાગઢ તા.૧૭: જૂનાગઢમાં બે યુવાન પાસે ખંડણી માંગી છ શખ્‍સોએ રૂા.૨.૧૦ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ થતા પોલીસે ગણતરીના કલાકોમાં બે શખ્‍સોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં જુલાઈવાડાના નાકા પાસે રહેતા અફરોઝ અહમદભાઈ માલકાણી નામના યુવાન પાસેથી બળજબરી પુર્વક નાણા કઢવવા મોહસીન ઉર્ફે હોલેહોલે, શોહીલ, અકરમ પટેલ, સરફારઝ ઉર્ફે ડાબરો, શાહરૂખબાપુ અને એક અજાણ્‍યા ઈસમે બે મોટર સાયકલમાં અફરોઝનો રાત્રીના પીછો કર્યો હતો.

બહાઉદ્દીન કોલેજ સામે અફરોઝના મોટસાયકલ આડે અવરોધ કરી આ ઈસમોએ રૂા.૧૦ લાખની ખંડણીની માંગણી કરી હતી. અને છરી બતાવી અફરોઝનું અપહરણ કરી સરદારબાગમાં આવેલ કેન્‍ટીનની પાછળ અવાવરૂ જગ્‍યાએ લઈ ગયા હતા જયાં આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી તેમજ છરી વડે હુમલો કર્યો હતો અને અફરોઝના મિત્ર ઈમ્‍તીયાઝ પાસેથી રૂા.બે લાખ કઢાવી લીધા હતા.

બાદમાં અફરોઝને અલગ-અલગ જગ્‍યાએ લઈ જઈ રૂા.પાંચ લાખની સવારના વ્‍યવસ્‍થા કરી આપવાની શરતે તેને છોડી મુકયો હતો આ અંગે અફરોઝ માલકાણીએ ફરિયાદ નોંધાવતા સી-ડીવીઝન પોલીસે છ એ શખ્‍સો વિરૂધ્‍ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આવા જ એક બનાવમાં મોહસીન ઉર્ફે હોલેહોલે, સરફરાઝ ઉર્ફે ડાબરો, શાહરૂખ અને ચોબારીનો ફિરોઝ ઉર્ફે લાલોએ ગુલીસતાન સોસાયટીમાં રહેતા અબ્‍દુલભાઈ હાસમ ભાટા નામના યુવાનને સરદારબાગમાં આવેલ કેન્‍ટીન પાસે બોલાવી છરી બતાવી ખંડણીની માંગણી કરી હતી અને રૂા.૧૦ હજાર કઢાવી લીધા હતા.

આમ સી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ખંડણી અંગેની બે ફરિયાદ થતા પોલીસ હરકતમાં આવી હતી અને પીએસઆઈ જે.જે.ગઢવી સહિતના સ્‍ટાફે તાત્‍કાલીક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં મોહસીન ઉર્ફે હોલેહોલે અને સરફરાઝ ઉર્ફે ડબરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:45 pm IST)