સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

ફલ્લાની સીમમાં માર મારીને રોકડ અને દાગીનાની લૂંટ

ટીડાભાઇ બિજલભાઇ બાંભવા (ભરવાડ) વાડીએ સુતા હતા ત્‍યારે પ લુંટારૂ ત્રાટકયાઃ નાકાબંધી કરીને શોધખોળ

તસ્‍વીરમાં જયા લૂંટનો બનાવ બન્‍યો તે ઘટના સ્‍થળ નજરે પડે છે. (તસ્‍વીરઃ અહેવાલઃ મુકેશ વરીયા-ફલ્લા) (૪.૧૭)

(મુકેશ વરીયા-મુકુંદ બદીયાણી દ્વારા) ફલ્લા-જામનગર, તા., ૧૭: જામનગર જીલ્લાના ફલ્લાની સીમમાં પાંચ લુંટારૂ શખ્‍સોએ ભરવાડ આધેડ ઉપર હુમલો કરીને રોકડ તથા દાગીનાની લુંટ કરીને નાસી છુટતા સનસનાટી મચી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ જામનગર નજીકના ફલ્લા ગામની સીમમાં વાડીનું રખોપુ કરવા ગયેલ ટીડાભાઇ બિજલભાઇ બાંભવા (ઉ.વ.પ૮) ગામના ભરવાડ આઘેડ વાડીમાં ખાટલા ઉપર સુતા હતા ત્‍યારે પાંચ શખ્‍સોએ તેમને ઘેરી લીધા હતા અને માર માર્યો હતો.

વાડીએ રખોપુ કરવા ગયેલ આસામી કંઇ સમજે તેપુર્વે ચારેય શખ્‍સોએ માર મારી તેઓએ કાનમાં પહેરેલા સોનાના ઠોરીયા અને ૧૬ હજારની રોકડ રકમ લઇ નાસી ગયા હતા. આ બનાવની રાત્રે જ આસામીએ તેમના પુત્રને જાણ કરી હતી. પુત્રએ પિતાને હોસ્‍પીટલે ખસેડી પંચકોશી એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી. જેને લઇને એલસીબી એસઓજી સહીતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. પોલીસે રાજકોટ, જામનગર  અને કચ્‍છના તરફના રોડ પર જુદી જુદી જગ્‍યાએ લગાવેલ સીસીટીવી ચેક કરવા સહીતની તજવીજ હાથ ધરી છે.

હાલમાં ટીડાભાઇ ભરવાડને સારવાર માટે જામનગર ખાનગી હોસ્‍પીટલમાં ખસેડેલ છે અને નાકાબંધી કરીને પોલીસે લુંટારૂઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

(1:35 pm IST)