સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

જામનગરમાં પંચાયતના હંગામી કોમ્‍પ્‍યુટર ઓપરેટરો દ્વારા જીલ્લા પંચાયત ખાતે આવેદનઃ ઉગ્ર આંદોલનની ચિમકી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૭: જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ૧૧ મેથી ગ્રામ પંચાયતમાં કોમ્‍પ્‍યુટર ઓપરેટર તરીકે હંગામી ફરજ બજાવતા VCE પોતાની પડતર માગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. ત્‍યારે જામનગરમાં જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું છે. સમગ્ર ગુજરાતની સાથે જામનગર જિલ્લાના ૪૧૭ જેટલા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE છેલ્લા ઘણા સમયથી હંગામી ધોરણે કામ કરવાને બદલે લઘુતમ વેતન મળે અને કમિશન પ્રથા બંધ થાય તે માટે રજૂઆતો કરી ચૂક્‍યા છે. વારંવાર રજૂઆતના અંતે પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં આવતા અંતે ૧૧ મે થી સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતના VCE હડતાલ પર ઉતરતા ગ્રામ પંચાયતોમાં ખેડૂતો અને ગ્રામજનોની કામગીરી ખોરંભે ચડી છે. ત્‍યારે કોમ્‍પ્‍યુટર ઓપરેટર તરીકે સરકારી કામગીરી કરતા હંગામી કર્મચારીઓ પણ પોતાની માંગણીને લઇને લડી લેવાના મૂડમાં છે. જામનગરમાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને આવેદનપત્ર પાઠવી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા વીસીઈ મંડળના અગ્રણીઓએ પોતાની માગણી ની સરકાર ન સ્‍વીકારે ત્‍યાં સુધી કામગીરીથી અળગા થઈ હડતાલ યથાવત રાખશે અને કોઈ નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:35 pm IST)