અંજારના રતનાલ ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો : 7 જુગારી ૧.૩૪ લાખના મુદામાલ સાથે ઝડપાયા
ખેલીઓ પાસેથી નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હતો:ખેલીઓ ધાણી પાસા વડે જુગાર રમવામાં મશગુલ હતા ત્યારે જ SMCએ ત્રાટકીને રંગેહાથ દબોચી લીધાં
અંજારઃ સ્ટેટ મોનિટરીંગ સેલની ટૂકડીએ આજે બપોરે અંજારના રતનાલ ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી સંચાલક સહિત ૭ ખેલીને ધાણી પાસા વડે જુગાર રમતાં ઝડપી પાડ્યાં છે. મોટાભાગના ખેલી ભુજ આહીરપટ્ટીના વિવિધ ગામના રહીશ છે. બાતમીના આધારે SMC પીઆઈ જી.જે. રાવતે હેડ કોન્સ્ટેબલ વિજય રાજાભાઈ ડાંગર સહિતની ટૂકડી સાથે આજે બપોરે રતનાલના ખારીવાસમાં વેલજીભાઈ કારાભાઈ ડુંગરીયા (ઉ.વ. ૫૦)ના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ખેલીઓ પાસેથી નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હતો. સૌ ખેલીઓ ધાણી પાસા વડે નસીબના પાસા પલટાવવા મશગુલ હતા ત્યારે જ SMCએ ત્રાટકીને તેમને રંગેહાથ દબોચી લીધાં છે.
SMCએ કુલ સાત આરોપીઓની અટક કરી છે. આરોપીઓની અંગજડતી અને નાલના મળી ૪૩ હજાર ૧૫૦ રોકડાં, ૩૧ હજારની કિંમતના ૮ મોબાઈલ ફોન, ૬૦ હજારની કિંમતની બે મોટર સાયકલ મળી કુલ ૧.૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
ઝડપાયેલાં આરોપીઓમાં મકાન માલિક વેલજી ડુંગરીયા ઉપરાંત અસગરશા ઊર્ફે અકબરશા હુસેનશા શેખ (રહે. કનૈયાબે, ભુજ), હરિલાલ ચાંપશી દરજી (રહે. રતનાલ), દિનેશ હરિભાઈ ચાડ (સુમરાસર, ભુજ), હિરાભાઈ પાંચાભાઈ કેરાસીયા (રહે. કુનરીયા, ભુજ), વાલજી પાંચાભાઈ ગાગલ (રહે. ઝીંકડી, ભુજ), ઈશ્વરભાઈ શામજીભાઈ ડુંગરીયા (રહે. ખારીવાસ, રતનાલ)નો સમાવેશ થાય છે.