સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

પ્લોટ અમારો છે અહીં પગ મુકતા નહીં કહી પુત્રવધુ અને પૌત્રોએ સસરાને ધોકાવ્યા

મોરબીની શાંતિવન સોસાયટીમાં રહેતા વયોવૃધ્ધે પારિવારિક ઝઘડામાં પોલીસ ફરિયાદ નોંધાવી .

મોરબીની શાંતિવન સોસાયટીમાં રહેતા વયોવૃધ્ધે વર્ષો પૂર્વે પોતાના પુત્રના નામે લીધેલા પ્લોટ ફરતે નળિયા ગોઠવતા અચાનક જ ધસી આવેલ તેમના જ પૌત્ર અને પુત્રવધુએ આ અમારો પ્લોટ છે અહીં પગ મુક્તા નહિ કહી માર મારતા પારિવારિક ઝઘડામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરામાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા પ્રેમજીભાઇ સવાભાઇ વાઘેલા, ઉ.70 નામના વૃદ્ધે વર્ષો પૂર્વે પોતાના પુત્ર બાબુભાઇના નામે શાંતિવન સોસાયટીમાં પ્લોટ લીધો હતો. દરમિયાન એક વર્ષ પહેલાં તેમના પુત્ર બાબુભાઈનું અવસાન થયુ હતું અને આ પ્લોટ ખુલ્લો પડ્યો હોય ગઈકાલે એક મજૂર સાથે તેઓ પ્લોટ ફરતે જુના નળિયાની પાળી કરતા હતા.
બરાબર આ જ સમયે પ્રેમજીભાઈના પૌત્ર જયેશ બાબુભાઈ વાઘેલા, અશોક બાબુભાઈ વાઘેલા અને પુત્રવધુ કાંતાબેન બાબુભાઇ વાઘેલા સાંજના પાંચેક વાગ્યાના અરસામાં અચાનક પ્લોટ ઉપર ધસી આવ્યા હતા અને આ પ્લોટ અમારો છે તેમ કહી નળિયા વીખી નાખી પ્રેમજીભાઈ ઉપર હુમલો કરી નળિયાના ઘા માર્યા હતા.
બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા પ્રેમજીભાઈની ફરિયાદને આધારે આરોપી બન્ને પૌત્ર અને પુત્રવધુ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

(10:28 pm IST)