સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

સાસણગીરમાં વેકેશન પૂર્ણ : સિંહ દર્શનના પ્રવાસીઓનું ફુલ આપીને સ્વાગત

પ્રથમ દિવસે સાસણગીરમાં પ્રવાસીઓ ઉમટ્યા : આગામી દિવસોમાં પ્રવાસીઓ ઉમટશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬: ચોમાસાની ઋતુમાં મેટિંગ પિરીયડના કારણે સાસણ ગીર અભ્યારણ્ય ૪ મહિના બંધ રાખવામાં આવે છે. આજે આ ૪ મહિનાનું વેકેશન પૂર્ણ થતા આજે પ્રવાસીઓ માટે સાસણ ગીર અભ્યારણ્ય ખુલ્લુ મુકાતા પ્રથમ દિવસે પ્રવાસીઓને ગુલાબનું ફુલ આપીને સ્વાગત કરાયું હતું.

એશિયાટિક લાયન ધરાવતું ગુજરાતનું એકમાત્ર સાસણગીર અભ્યારણ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જંગલ વિભાગ દ્વારા સાસણગીર પ્રવાસ માટે એક મહિના અગાઉથી ઓનલાઇન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ચોમાસાની સિઝન દરમિયાન સિંહોના મેટિંગ પિરિયડને લઇ સાસણગીર અભ્યારણ ૧૫ જૂનથી ૧૫ ઓકટોબર સુધી બંધ રાખવામાં આવે છે.

જૂનાગઢ જંગલ વિભાગના સી.સી.એફ મોહન રામે આજે લીલી ઝંડી બતાવી પ્રવાસીઓને ગુલાબ આપીને પ્રથમ જથ્થાનો પ્રવેશ કરાવ્યો હતો. સાસણ ગીરમાં સિંહ દર્શન માટે એક દિવસની ૧૮૦ પરમીટ ઉશ્યુ કરવામાં આવે છે. હાલમાં ૨૨ ઓકટોબર સુધીના તમામ બુકિંગ ફૂલ થઇ ગયા છે. દિવાળીના તહેવારોમાં સૌથી વધુ પ્રમાણમાં લોકો ઉમટતા હોય છે. જેથી આગામી સમયમાં બુકિંગની સંખ્યામાં વધારો થવાની સંભાવના જંગલ વિભાગે વ્યકત કરી હતી.

શા માટે અભ્યારણમાં રાખવામાં આવે છે વેકેશન?

ચોમાસાના ૪ મહિના દરમિયાન સાસણગીર અભ્યારણમાં વેકેશન રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓને અભ્યારણમાં પ્રવેશ આપવામાં આવતો નથી. ૧૫ જૂનથી ૧૫ ઓકટોબર સુધી દર વર્ષે વેકેશન જાહેર કરવામાં આવે છે. ચોમાસાની ઋતુ સિંહોનો મેટિંગ પરિયડ હોવાથી પ્રવાસીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે. સિંહોને અભ્યારણમાં એકલતા મળી રહે તે માટે વેકેશન જાહેર કરવામાં આવે છે. એક સમયે સિંહોની વસ્તીમાં મોટો દ્યટાડો નોંધાયો હતો. સિંહોની વસ્તી વધારવા માટે રાજય સરકાર અનેક પગલાંઓ ઉઠાવી રહી છે. છેલ્લા ૭ વર્ષમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સિંહોનોને રક્ષણ મળે તે માટે સરકારે યોગ્ય નીતિ સાથે આગળ વધી રહી છે.

કયાં આવેલું છે સાસણગીર અભ્યારણ?

સાસણગીર અભ્યારણ્ય ગુજરાતના પશ્યિમ વિસ્તારમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. બંને જિલ્લામાં ગીર અભ્યારણ્ય ફેલાયેલું છે. આ અભ્યારણ્યને રાષ્ટ્રીય અભ્યારણ્યનો દરજ્જો મળેલો છે. આ સાસણગીર અભ્યારણ્યની લાખો પ્રવાસીઓ દર વર્ષે મુલાકાત લેતા હોય છે. સાસણગીર અભ્યારણ્યના વિકાસ માટે રાજય સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. પાણીયા અને મોતીયાળા વન્યજીવ અભ્યારણ્ય પણ ગીરનો જ ભાગ માનવામાં આવે છે. આ ઉદ્યોન વેરાવળથી લગભગ ૪૩ કિમી ઇશાન (ઉત્ત્।ર-પૂર્વ) તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશા તરફ આવેલો છે.

સાસણગીર અભ્યારણની વિશેષતા શું છે?

૧૮ સપ્ટેમ્બર સાસણગીરનો સ્થાપના દિવસ તરીકે ઓળખાય છે. સાસણગીર અભ્યારણ્યની સ્થાપના વર્ષ ૧૯૬૫માં કરવામાં આવી હતી. ગીરનું જંગલ કુલ ૧,૪૧૨ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં ૨૫૮ ચો.કિમી વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યોન છે અને ૧,૧૫૩ ચો.કિમી અભ્યારણ્ય વિસ્તાર છે. અભ્યારણ્ય જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ફેલાયેલું છે. વિશ્વમાં એશિયાટીક સિંહોની વસ્તી માત્ર સાસણગીરમાં જ છે. એશિયાઇ સિંહો માટે આ રક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. ગીરનું જીવપારિસ્થિતિક તંત્ર, તેની વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ તેની વિશેષતા છે. ગીરના જંગલની વિશેષતા છે ભાતીગત સંસ્કૃતિઓ. ગીરના જંગલ વિસ્તારમાં માલધારીઓ વસવાટ કરે છે. માનવ અને પ્રાણીઓના સમન્વય, મિત્રતાનું સાચુ ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે. અનેક નેસ પણ આવેલા છે જે ગુજરાતના ગૌરવમાં વધારો કરે છે.

ગીર જંગલમાં સિંહોની વસ્તી કેટલી છે?

વર્ષ ૨૦૧૫માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે સિંહોની સંખ્યા ૫૨૩ હતી. ત્યારબાદ ૨૦૨૦માં સિંહોની વસ્તી ૬૭૪ પર પહોંચી હતી. જેમાં ૧૬૧ નર સિંહ, ૨૬૦ માદા સિંહ છે. પાઠડા સિંહોની સંખ્યામાં ૪૫ નર અને ૪૯ માદા સિંહ છે. જયારે ૨૨ વણઓળખાયેલા છે. તો સિંહ બાળની સંખ્યા ૧૩૭ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં અંદાજ પ્રમાણે ૭૦૦ જેટલા સિંહો વસવાટ કરી રહ્યાં છે. સિંહ ઉપરાંત ગીરના જંગલમાં ૩૮ જાતના પ્રાણીઓ વસવાટ કરે છે.

દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે

સાસણગીર અભ્યારણ્યની મુલાકાતે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવતા હોય છે. પ્રવાસીઓનો માટે ગીરનું જંગલ હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બની રહ્યું છે. જંગલની આસપાસના વિસ્તારમાં રહેવા માટેની સુવિધાઓ વધતા લાખો લોકો જંગલના જીવનનો અનુભવ કરવા માટે આવે છે. કોરોનાની અસરના કારણે છેલ્લા બે વર્ષથી પ્રવાસીઓની સંખ્યા દ્યટી છે. ગત વર્ષે દિવાળી વેકેશનના સમયગાળા દરમિયાન દૈનિક ૨ હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાત માટે આવતા હતા. ગત વર્ષે અંદાજિત ૫૦ હજારથી વધુ લોકોએ સાસણગીરની મુલાકાત લીધી હતી.

(1:54 pm IST)