સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

ઐતિહાસિક ઘટના : પાયલોટ આરોહી પંડિતે ભુજ એરપોર્ટથી ઉડાન ભરીને ૮૯ વર્ષનો ઇતિહાસ જીવંત કર્યો

એટલાન્‍ટિક અને પેસિફિડ સુમદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઇલટ આરોહી પંડિતે ઉડાવી ફલાઇટ : ૧૯૩૨માં કરાંચીથી મુંબઇ સુધી જેઆરડી ટાટા દ્વારા ભારતની પ્રથમ કોમર્શિયલ ફલાઇટનું થયું હતુ ઉડાન

ભુજ,તા. ૧૬: લાઈટ સ્‍પોર્ટ એરક્રાફ્‌ટ સાથે એટલાન્‍ટિક અને પેસિફિક સમુદ્રને ક્રોસ કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ આરોહી પંડિત ૧૯૩૨માં જેઆરડી ટાટા દ્વારા ભારતની જે પ્રથમ કોમર્શિયલ ઉડાનની ઐતિહાસિક ઘટનાને ફરી જીવંત કરી હતી. આજે ભુજથી મુંબઇ વચ્‍ચે ફ્‌લાઇટ ઉડાવીને ઈતિહાસનુ પુનરાવર્તન કર્યુ હતું. ૧૯૩૨ માં કરાંચીથી મુંબઇ સુધી જેઆરડી ટાટા દ્વારા ભારતની પ્રથમ કોમર્શિયલ ફલાઇટનું ઉડાન થયું હતું. આજે ૮૯ વર્ષ બાદ ભૂજથી મુંબઈ વચ્‍ચે આરોહી પંડિત ફ્‌લાઇટની ઉડાન ભરી હતી.
ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના પિતામહ ગણાતા જેઆર ડી ટાટા ૧૫ ઓક્‍ટોબર ૧૯૩૨ ના રોજ કરાંચીથી મુંબઇ સુધી મેઇલ લઈને ટાટા એર સર્વિસ ની પ્રથમ ફ્‌લાઇટનું પાઈલટ તરીકે ઉડ્ડયન કર્યું હતું. આ ફ્‌લાઈટમાં સિંગલ એન્‍જિનના ડી હેવીલેન્‍ડ પસ મોથ વિમાનનું વિમાન હતું. આજે આરોહી પંડિત ભારત પાકિસ્‍તાનના યુદ્ધ વચ્‍ચે કચ્‍છના માધાપર ગામની મહિલાઓએ ૭૨ કલાકમાં પુન નિર્માણ કરેલ ભૂજ રનવે પરથી ઉડ્ડયન કર્યું હતું. આ દરમિયાન આરોહી અમદાવાદમાં વિમાનમાં ઇંધણ ભરાવા લેન્‍ડ થશે. એ પછી મુંબઈમાં જુહુ ખાતે આવેલ ભારતના પ્રથમ સિવિલ એરપોર્ટમાં ઉતરાણ કરશે.
આરોહીના હસ્‍તે માધાપરની એ વીરાંગનાઓનું પણ સાડી આપીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું કે, જેઓએ ભારત પાકિસ્‍તાનના ૧૯૭૧ના યુદ્ધ વખતે બોમ્‍બમારાથી જે રન-વે ને નુકસાન પહોંચાડવામાં આવ્‍યું હતું, તેને આ વિરાંગનાઓ દ્વારા ફરીથી માત્ર ૭૨ કલાકની અંદર બનાવવામાં આવ્‍યું હતું.
૨૦૧૯માં આરોહી પંડિત એટલાન્‍ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં બોરીવલીની યુવા મહિલા આરોહી પંડિત એટલાન્‍ટિક અને પેસિફિક સમુદ્રને પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની હતી અને આ ફ્‌લાઇટમાં આરોહી પંડિત સિવાય બીજા કોઈ સભ્‍ય ન હતા. આરોહી પંડિત ૧૯૩૨ના ઐતિહાસિક ફ્‌લાઇટની ઘટનાને ફરી તાજી કરવા માટે પણ એ જ વિમાનનો ઉપયોગ કરશે.
આ ફ્‌લાઈટમાં આરોહી પંડિત આશરે ૫૦૦ નોટિકલ માઈલનું અંતર કાપવા આશરે પાંચ કલાકના ઉડ્ડયન માટે ૬૦ લિટર પેટ્રોલનો ઉપયોગ કરશે. આ ઉપરાંત આરોહી પંડિત કોઈ જીપીએસ, ઓટો પાઈલટ કે કમ્‍પ્‍યૂટર આધારિત ઇક્‍વિપમેન્‍ટનો પણ ઉપયોગ કરશે નહિ. આરોહી પંડિતે આ વિશે કહ્યુ હતું કે, હું મારી જાતને સૌભાગ્‍યપૂર્ણ માનું છું કે આ ઐતિહાસિક દ્યટનાનું પુનરાવર્તન મને કરવાની તક મળી છે.
આ ઐતિહાસિક ઘટનાને પુનરાવર્તિત કરવા જતાં આરોહી પંડિતે જણાવ્‍યું હતું કે, ‘મારું સૌભાગ્‍ય છે કે ૧૯૩૨માં જે ઉડાન જેઆરડી ટાટાએ કરાંચીથી જુહુ ભરી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હું આ ઉડાન ભરીશ. ભૂજ થી આ ઉડાન શરૂ થશે અને અમદાવાદ ખાતે ઇંધણ ભરવા માટે લેન્‍ડ કરવામાં આવશે અને ત્‍યાર બાદ ફાઈનલ સ્‍ટોપ જુહુ ખાતે થશે. ૧૯૭૧ના યુદ્ધમાં આપણા દેશના એરફોર્સને માધાપરની વીરાંગનાઓએ રનવે બનાવવા માટે ખૂબ સારી મહેનત કરી હતી અને તેઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓ પણ આ ઇવેન્‍ટમાં જોડાયા છે. ઇન્‍ડિયન વુમન પાયલટ એસોસિએશન (IWPA) અને તાતા પાવર તરફથી આ આયોજન કરવામાં આવ્‍યું છે. આ એરટ્રીપને લઈને ભારે ઉત્‍સાહ છે. મારો ડ્રિમ પ્રોજેકટ આજે સાકાર થયો છે. આ સફરમાં અત્‍યાધુનિક ટેકનોલોજીની મદદ લીધા વગર રોડ મેપ અને ગ્રાઉન્‍ડ રેફરન્‍સની મદદથી ૯૨૬ કિલોમીટરનું અંતર ૫ કલાકમાં પૂર્ણ કરવામાં આવશે. આ વિમાનને હું પ્રેમથી માહી કહું છું અને કચ્‍છના લોકો તરફથી ખૂબ સારો પ્રેમ મળ્‍યો અને કચ્‍છમાં બહુ મજા આવી.'

 

(11:01 am IST)