સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

સૌરાષ્ટ્રના મોટા ગજાના યુવા ક્રિકેટર અવી બારોટનું મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાનઃ સૌરાષ્ટ્રભરના ક્રિકેટરોમાં શોકનું મોજું

એ.જી.ઓફિસમાં ફરજ બજાવતા હતા, જુનિયર ક્રિકેટરનો એવોર્ડ પણ મળેલો

રાજકોટઃ બે દિવસ પહેલા ગુજરાત સામે રમતા રણજી ટ્રોફી મેચમાં ૪૫ દડામાં ૭૨રન ફટકારનાર સૌરાષ્ટ્રના ઝંઝાવાતી બેટ્સમેન ૨૯ વર્ષના અવી બારોટનું હૃદયરોગના હુમલાથી અવસાન થતા ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. તેઓ સારા બેટ્સમેન અને વિકેટકીપર પણ હતા. આ વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ગોવા વિરૂધ્ધ ૩૭ દડામાં ૧૨૨ રન ફટકાર્યા હતા.

તેઓ માત્ર ૨૯ વર્ષના હતા. સારા બેટ્સમેન અને વિકેટકીપર હતા. તેમના ધર્મપત્નિનું નામ નિધિ બારોટ છે. તેઓને અન્ડર- ૧૯માં જુનિયર ક્રિકેટરનો એવોર્ડ મળેલો છે. એજી ઓફિસમાં ફરજ બજાવતા હતા. રણજી ટ્રોફીના ૪૦ મેચ પણ રમી ચુકયા હતા. મુંબઈ ઈન્ડિયન્સમાંથી આઈપીએલ રમવા ટ્રાયલ દેવા ગયા હતા.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના નિરંજનભાઈ શાહ, હિમાંશુભાઈ શાહ, સુરૂભાઈ દોશી સહિતના હોદેદારોએ શ્રધ્ધાંજલી અર્પી હતી.

અવિ બારોટનો જન્મ ૨૫ જુન ૧૯૯૨ના રોજ થયેલ. ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ૩૮ મેચમાં ૬૩ ઈનિંગમાં ૧ વખત નોટઆઉટ, ૧૫૪૭ કુલ રન બનાવ્યા. હાઈએસ્ટ સ્કોર ૧૩૦ રન હતો. લિસ્ટ- એ માં ૩૮ મેચમાં ૩૮ ઈનિંગમાં બે વખત નોટઆઉટ રહી હાઈએસ્ટ ૯૧ રન સાથે કુલ ૧૦૩૦ રન બનાવ્યા. જયારે ટી-૨૦માં કુલ ૨૦ મેચમાં ૨૦ ઈનિંગમાં ૧ વખત નોટઆઉટ રહી કુલ ૭૧૭ રન બનાવ્યા. હાઈએસ્ટ સ્કોર ૧૨૨ રન બનાવેલ.

(12:17 pm IST)