સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

જામનગર સોની બજારના વેપારીઓ દ્વારા અડધો દિ' બંધ

ગ્રેઇન માર્કેટના વેપારીઓ દ્વારા બંધના નિર્ણયથી લોકડાઉન જેવો માહોલ : કોરોના મહામારી અટકાવવા સામૂહિક નિર્ણય

જામનગર : તસ્વીરમાં ગ્રેઇન માર્કેટ બંધ રહેતા લોકડાઉન જેવો માહોલ છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૬ : જામનગરમાં કોરોના કેસ વધતા તે માટે અડધો દિવસ સોની બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. શહેરમાં જે સ્થિતી વણસી રહી છે. તે જોતો આ નિર્ણય આવકારદાયક કહી શકાય કદાચ લોકડાઉનનું યોગ્ય પાલન થશે તો જામનગરમાં બેફામ રીતે વકરતા કોરાનાની બ્રેક લાગી શકે છે. જેથી જામનગરમાં ચાંદીબજારમાં સોની વેપારીઓ દ્વારા તા.૧૭–૦૯–ર૦ર૦ થી તા.ર૯–૦૯–ર૦ર૦ સુધી સવારે ૭–૦૦ થી બપોરના ર–૦૦ વાગ્યા સુધી સોની બજાર સ્વેચ્છાએ બંધ રહેશે તેમ શ્રી સુભાષભાઈ પાલા પ્રમુખશ્રી જામનગર સુવર્ણકાર સુરક્ષા સેતુ અને શ્રી કિશોરભાઈ ભુવા મંત્રીશ્રી જામનગર સુવર્ણકાર ઔદ્યોગીક મંડળની યાદીમાં જણાવાયું છે.

જામનગરમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઇને સપ્ટેમ્બરના અંત સુધી જામનગર શહેર અને જિલ્લાની હોલસેલ તેમજ રિટેલની સૌથી મોટી માર્કેટ એવી. ગ્રેઇન માર્કેટમાં વેપારીઓએ સ્વેચ્છાએ લોકડાઉનનો નિર્ણય લીધો છે. અને સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી વેપારીઓએ કરેલા નિર્ણય મુજબ સાવરે ૮ થી બપોરે ૨ સુધી જ ગ્રેઇન માર્કેટ ખુલ્લી રહેશે.

અગાઉ પણ કોરોના કાળમાં ધી સીડસ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઇ લાલની આગેવાની હેઠળ તમામ વેપારીઓ દ્વારા અનલોક-૨ મા સરકારની છૂટછાટ હોવા છતાં પણ જામનગર જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાને લઈને સવારે ૯ થી બપોરના ૪ વાગ્યાના સમય સિવાય વેપાર ધંધા બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે ફરીથી ગ્રેઇન માર્કેટમાં લોકડાઉનનો સ્વૈચ્છિક રીતે કોરોનાનું સંક્રમણ અટકાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સવારથી જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુખ્ય હોલસેલ માર્કેટ ગણાતી ગ્રેઇન માર્કેટમાં લોકડાઉન જેવો માહોલ જોવા મળ્યો હતો.

(12:49 pm IST)