સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

કોવિડ વિજય રથ દ્વારા રાજકોટ જિલ્લામાં કોરોના જાગૃતિ અભિયાનઃ ધોરાજીથી રથ પ્રસ્થાન

કલાકારો આપી રહ્યાં છે કોરોનોના સંદર્ભે જાગૃતતાનાં સંદેશઃ રોગપ્રતિકારક ઔષધિઓનું વિતરણ

જુનાગઢ-ધોરાજી, તા.૧૬: કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજયમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફીલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના સૌરાષ્ટ ઝોન અધિકારીશ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ કોવિડ વિજય રથ અંગે માહિતી આપતાં જણાવ્યું કે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને યુનિસેફ દ્વારા રાજયભરમાં પાંચ રથ દ્વારા આ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન દ્વારા કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર ઝોનના રથનો જુનાગઢ જિલ્લા બાદ હવે રાજકોટ જિલ્લામાં પ્રવેશ થઇ ચુકયો છે. ધોરાજી ખાતે તાલુકા પંચાયતના પરિસરમાંથી તાલુકા વિકાસ અધિકારી એચ.ડી.જાડેજાના હસ્તે લીલી ઝંડી આપી આ રથનું પ્રસ્થાન કરાવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના કર્મચારીગણની ઉપસ્થિતિમાં યોજાયેલ આ રથ પ્રસ્થાનના પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ કોવિડ વિજય રથ દ્વારા જનજન સુધી જાગૃતતા સંદેશ ફેલવવાના ભારત સરકારના આ અભિયાનની પ્રસંશા કરતાં જણાવ્યું હતું કે કોરોનાને હરાવવાનો એક માત્ર ઉપાય સાવચેતી અને લોક જાગૃતતા છે. લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ ખરેખર સરાહનીય છે. તાલુકા પંચાયતથી આગળ વધી આંબેડકર પ્રતિમા ચોક, કોલેજ રોડ, ગેલેકસી ચોક, મુખ્ય બજાર જેવાં ધોરાજી શહેરના વિવિધ જાહેર માર્ગો તેમજ મહત્વના જાહેર સ્થળો ફરી જાગૃતિ સંદેશ ફેલાવી રહ્યો છે. સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને રથ પર માર્યાદિત સંખ્યામાં માત્ર ૪ કલાકારો પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક વગેરે દ્વારા ખૂબજ સહજરીતે અને સમજી શકાય તેવી હળવી શૈલીમાં જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે. રથમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શકિત વધારવા આયુષ મંત્રાલએ પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક શકિત વધારવા ઉપયોગી આ દવાઓ અભિયાન દરમિયાન લોકોમાં વિનામૂલ્યે પૂરી પાડવા સહયોગ આપવામાં આવ્યો છે.

આવનાર દિવસોમાં આ રથ ધોરાજી શહેર બાદ તેના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને જેતપૂર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઇ જેતપૂર ખાતે રવાના થશે. ૭ સપ્ટેમ્બરથી શરુ થયેલ કુલ ૪૪ દિવસનું કોવિડ વિજય રથનું આ જન જાગૃતિ અભિયાન આવનાર દિવસોમાં સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ આજ રીતે અવિરત આગળ વધતું રહેશે. તેમ દેવેન્દ્ર ત્રિવેદી ઝોનલ અધિકારી (સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન), ફિલ્ડ આઉટરીચ બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારની યાદીમાં જણાવાયુ છે.

(11:39 am IST)