સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th October 2021

જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઅોને મંજૂરીપત્રો સન્માન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ, તા.૧પઃ જિલ્લા પંચાયત દ્વારા આયોજિત સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો, સન્માન કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, જૂનાગઢવાસીઓની સુખાકારી માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા કૃષિ યુનિ.ના ઓડીટોરીયમ ખાતે પ્રભારી મંત્રીશ્રી અને વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ તકે પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયના સામાન્ય માનવીની દરકાર  સરકાર કરી રહી છે. રાજય સરકારે લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સોલારરૂફ ટોપ યોજના અમલી કરી સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાર્થક કર્યો છે. લોકોની પ્રાથમિક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.

પ્રભારી મંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને મંજૂરીપત્ર, નવીન બનેલ ૫૭ ગ્રામપંચાયતો પર સોલાર રૂફ ટોપ સીસ્ટમના ટોકન સ્વરૂપે ૮ સરપંચશ્રીઓને મંજૂરીપત્ર, ૧૦૦ ટકા વેકસીનેશન પૂર્ણ કરનાર સરપંચશ્રીઓનું સન્માન, વતનપ્રેમ યોજના અને પાણી પત્રકની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માન પત્રક આપવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ અપાયા હતા.

કાર્યક્રમ બાદ પ્રભારી મંત્રીશ્રીના હસ્તે મોબાઇલ સાયન્સવાનનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. તેમજ વેકસીનેશન તથા આરોગ્યના સ્ટોલની મુલાકાત લીધી હતી.

કાર્યક્રમમાં જૂનાગઢના મેયરશ્રી ધીરુભાઇ ગોહેલ, માર્કેટીગ યાર્ડના ચેરમેનશ્રી કિરીટભાઇ પટેલ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સ્વાગત પ્રવચન જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના એમ.ડી.શ્રી દિનેશભાઇ ખટારિયાએ, આભાર વિધિ જૂનાગઢ જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી વિપુલ કાવાણીએ કરી હતી.

આ તકે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા, કારોબારી સમિતિના ચેરમેનશ્રી કંચનબેન ડઢાણિયા, ડીડીઓશ્રી મીરાંત પરીખ, જૂનાગઢ જિલ્લા દુધ ઉત્પાદક સંદ્યના ચેરમેનશ્રી રામસી ભેટારિયા સહિત જિલ્લાના આગેવાનો,પદાધિકારીઓ,અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:39 pm IST)