સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 14th August 2022

બોટાદ પંથકમાં થોડા દિવસ પહેલા જ 57 માનવ જિંદગીનો ભોગ લેનાર લઠ્ઠાકાંડની ઘટના હજુ ભુલાઇ નથી ત્યાં વધુ એક બનાવ લોધિકા પંથકમાં પ્રકાશમાં આવ્‍યોઃ લોધિકાના મોટાવડા ગામે વાડીની ઓરડીમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી

બોટાદઃ  બોટાદ પંથકમાં થોડા દિવસ પહેલા જ 57 માનવ જિંદગીનો ભોગ લેનાર લઠ્ઠાકાંડની ઘટના હજુ ભુલાઇ નથી. ત્યાં વધુ એક બનાવ લોધિકા પંથકમાં પ્રકાશમાં આવ્યો છે, પરંતુ આ બનાવમાં કોઇનો ભોગ લેવાય તે પહેલા જ પર્દાફાશ થઇ જતા પોલીસ તંત્રે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. લોધિકાના મોટાવડા ગામે રહેતા યોગેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા નામના શખ્સે તેની વાડીની ઓરડીમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે લોધિકા પોલીસ મથકના પીઆઇ કે.કે.જાડેજા સહિતના કાફલાએ દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ એક શખ્સ બાઇક પર નાસી જવાની પેરવી કરતો હોય પોલીસે તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો. પૂછપરછ કરતા તે યોગેન્દ્રસિંહ હોવાનું કહ્યું હતું. જેથી તેને સાથે રાખી વાડીની ઓરડીમાં તપાસ કરતા અંદરથી પ્લાસ્ટિકના કોથળાઓ, કેરબાઓ જોવા મળ્યા હતા.

જ્યારે અંદરથી એક પ્લાસ્ટિકની ટાંકી પણ જોવા મળતા તેને ચેક કરતા અંદરથી કેફી પ્રવાહીની વાસ આવતી હતી. તેમજ ત્યાંથી વિદેશી દારૂની મેકડોલ્સ નં.1 બ્રાન્ડની શરાબના સ્ટિકર, રેપર, બોક્સ મળી આવ્યા હતા. વાડીની ઓરડીમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની સામગ્રી, વિદેશી દારૂ જેવું કેફી પ્રવાહી ભરેલી 60 બોટલ, 385 લિટર કેફી પ્રવાહી ભરેલા કેરબા મળી કુલ રૂ.25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને સકંજામાં આવેલા યોગેન્દ્રસિંહની પૂછપરછ કરતા પોતે અને રાજકોટના નવલનગર-2માં રહેતા કાકાનો દીકરો દિગ્વિજયસિંહ ભરતસિંહ જાડેજા સાથે નકલી વિદેશી દારૂ બનાવી પેકિંગ કરી છેલ્લા બે દિવસથી વેચાણ ચાલુ કર્યાની કબૂલાત આપી છે.

અગાઉ એટ્રોસિટીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા યોગેન્દ્રસિંહની વધુ પૂછપરછમાં તે પિતરાઇભાઇ સાથે મળી ઇથેનોલ, નોન આલ્કોહોલિક બીયર, સીરપ, ફ્લેવર મિક્સ કરી નકલી વિદેશી દારૂ બનાવતા હોવાનું તેમજ નકલી વિદેશી દારૂની તૈયાર થયેલી 60 બોટલ દિગ્વિજયસિંહ વેચાણ કરવા જવાનો હોવાની કેફિયત આપી છે. જો પોલીસના ધ્યાને નકલી દારૂ બનાવતી ફેક્ટરી ન આવી હોત તો વધુ એક લઠ્ઠાકાંડની સ્થિતિ સર્જાઇ હોત. બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર, રેપર, બોક્સ વગેરે ક્યાંથી લાવતા, ક્યાં વેચાણ કરવાના હતા, ખરેખર બે દિવસથી ચાલુ કર્યું છે કે કેમ તે સહિતની વિગતો બહાર લાવવા પકડાયેલા યોગેન્દ્રસિંહની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(1:16 pm IST)