સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th August 2021

દેશ માટે જીવવાનો મોકો મળ્યો છે દેશને ગૌરવ અપાવીએ - ત્યારે આપણને મળેલા પદ, કાર્ય અને ફરજને નિષ્ઠાપૂર્વક- પ્રામાણિકતાથી પૂર્ણ કરી દેશહિતમાં પોતાનું યોગદાન આપીએ : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ભુજ ખાતે સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ દેશભક્તિ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો : દેશભક્તિના સાંસ્કૃતિક ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું

(વિનોદ ગાલા દ્વારા ) (ભુજ) આઝાદીની ૭૫મી વર્ષગાંઠના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી અર્થે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભરમાં યોજાઇ રહ્યા છે જે પૈકી શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ કચ્છ જિલ્લાના ભુજ ખાતે ટાઉન હોલ  માં દેશભક્તિનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવતા શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ યોજાઇ રહ્યો છે. દેશના નામી અનામી શહીદો, વીરો અને વીરાંગનાઓમાંથી કોઇ પણ એક આપણા બધાના રોલ મોડેલ હોય છે . પોતાના પરિજનો અને પરિવારને મૂકી ભારતમાતા માટે ભારત દેશને આઝાદ કરવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર આ વીર શહીદોને યાદ કરતા શિક્ષણમંત્રીશ્રીએ  જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે મરવાનો મોકો નથી મળ્યો પણ દેશ માટે જીવવાનો મોકો મળે છે ત્યારે આપણને મળેલા પદ, કાર્ય અને ફરજને નિષ્ઠાપૂર્વક- પ્રામાણિકતાથી પૂર્ણ કરી દેશહિતમાં પોતાનું યોગદાન આપીએ. સમાજમાં, દેશમાં, સરકારમાં કે કોઇપણ સ્થળે મળેલા પદને દિપાવીએ એમ આઝાદીના આ અમૃત પર્વ પ્રસંગે સંકલ્પ લઈએ. 

            શિક્ષણમંત્રીશ્રીએ નામી- અનામી શહિદોને સ્મરણાંજલિ અર્પણ કરતા ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, મદનલાલ ધીંગરા, માંડવીના સપુત શ્રીશ્યામજીકૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા, મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, બેગમ હઝરત મહલ, રામસિંગ કુકા, વીર કિનારીવાલા, મહાત્મા ગાંધીજી, અશફાક ઉલ્લાખાન, મહાદેવ ગોવિંદ રાનડે, સુબ્રમણ્યમ દેસાઈ, લાલ બાલ અને પાલ ,દાદાભાઈ નવરોજી જેવા  અનેકોને યાદ કરતા તેમના મા ભોમ કાજેના બલિદાન પ્રસંગોને વર્ણવીને મા ભોમ કાજે તેમની દેશદાઝનાં ઝનુન રજૂ કર્યા હતા. આ તકે તેમણે કટોકટીના સમયમાં લોકોએ દાખવેલી દેશદાઝ પણ વર્ણવી હતી. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ વાક્ય ના પગલે બાળ ગંગાધર ટિળકને સજા થઈ હતી. આ વાત કહી તેમણે જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં પ્રજા જ સર્વોપરી છે. પ્રજાના હિત માટે પ્રજાની સેવા કરવા માટે મળેલી કોઈપણ તક નિષ્ઠાપૂર્વક .નિભાવવી જોઈએ. દેશ માટે મળેલા જીવવાના મોકાને સૌએ દીપાવવો જોઈએ.            

          જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી મોહસીન ખાન પઠાણે આ તકે શાબ્દિક સ્વાગતમાં કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, ભારતના સ્વાતંત્ર્ય  પર્વની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૭૫ અઠવાડિયા ભવ્ય ઉજવણી કરવાનું ભારત સરકારે નક્કી કરેલું હતું. જે પૈકી ૧૨ મી માર્ચ ૨૦૨૧ના દિવસથી સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ દેશભક્તિ ની થીમ પર અલગ-અલગ રીતે યોજાઇ રહ્યો છે. રાષ્ટ્રવ્યાપી આ ઐતિહાસિક અવસરને રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યની યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના પેદા કરવા માટે ઉજવાઈ રહ્યો છે. જે અન્વયે આજે કચ્છમાં સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ કચ્છ જિલ્લાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રીજી ઇવેન્ટના કલાકારોએ દ્દેશભક્તિના 3 નૃત્ય ગીતો પ્રસ્તુત કર્યા હતા. જય જય ગરવી ગુજરાત, જયતુ જયતુ, દેશ મેરા હે રંગીલા, દેશભક્તિના આ સાંસ્કૃતિક ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. 

આ તકે ઉપસ્થિતોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતીમાં જૂનાગઢ ખાતેના સાંસ્કૃતિક કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ સૌએ માણ્યું હતું.

            આ કાર્યક્રમમાં દેશપ્રેમી દર્શકો સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ ધારાસભ્યશ્રી ડો.નીમાબેન આચાર્ય,, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, કલેકટરશ્રી પ્રવિણા ડી. કે.,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, પશ્ચિમ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ, પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત , નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રી હનુમંતસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારીશ્રી શૈલેષભાઈ રાઠોડ, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી વિવેક બારહટ તેમજ સમાજના અગ્રણીઓ, જિલ્લા અને ભુજ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.

(9:18 pm IST)