સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th August 2021

કેશોદમાં પણ શ્રીજી ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીને તાળાઃ છેતરપીંડીનો ભોગ બનેલા ગ્રાહકોની પોલીસમાં ફરિયાદ

(કિશોર દેવાણી-કમલેશ જોષી દ્વારા) કેશોદ,તા. ૧૪: જુનાગઢ જીલ્લામાં ૭ વર્ષથી ૮ બ્રાન્ચ ઉભી કરનાર અને મેંદરડા ખાતે વર્ષ ૨૦૧૪ માં શ્રીજી ક્રેડિટ કો. ઓપરેટિંવ સોસાયટીની સ્થાપના કરી સમગ્ર જીલ્લા અને તાલુકા કક્ષાએ બ્રાન્ચ ઓફિસ ખોલીને ઉચા વ્યાજના ચક્કરમાં અને ઝડપી લોનની લાલચમાં હજારો ખાતાધારકોને રોકાણ કરાવી કરોડો રૂપિયાની ફિકસ ડિપોઝિટ અને થાપણ જમાં બાદ પાકતી મુદતે ચૂકવણી કરવામાં સક્ષમ ન રહેનારા શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીના સંચાલકો બેંકને તાળા મારી રફુચક્કર થઈ જતાં સમગ્ર સોરઠમાં ટોપ ઓફ ટાઉન કિસ્સો બન્યો છે અને જુદા જુદા વિસ્તારોમા ખાતાધારકો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી રહ્યા છે શ્રીજી ક્રેડિટ કો. ઓ. સોસાયટી જે ગ્રાહકોની ડિપોઝિટની સમય મર્યાદા પુરી થઇ હોય એવી રકમને કોરોનાનુ બહાનું બતાવી ચૂકવતી ન હતી અંતે ઓફિસને તાળાં લાગતા ગ્રાહકોને છેતરાયાની લાગણી થતા પાસબુક સહિતનાં આધાર પુરાવા સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરીયાદ અરજી આપી હતી બીજી તરફ મંડળીના કર્મચારીઓના સગાવ્હાલાઓ સૌથી વધુ વિશ્વાસદ્યાતનો ભોગ બન્યા છે તેઓ પણ છેતરાતા કર્મચારીઓએ વકીલ મારફત મંડળીના સંચાલકો વિરૂદ્ઘ નોટીસ ફટકારી છે.

કેશોદ પોલીસ સ્ટેશનમાં અંકુશભાઈ લખમણભાઇ મકવાણાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરીયાદ નોંધાવી કેશોદ શ્રીજી ક્રેડિટ કો. ઓ.સોસાયટીના કેશોદ શાખાના બ્રાન્ચ મેનેજર ભરતભાઇ કોરીયા વિરૂદ્ઘ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે અને તેઓની સાથે કેશોદ શહેરનાં અન્ય ખાતાધારકો જોડાયાં હતાં.

શ્રીજી ક્રેડિટ કો. ઓ. સોસાયટીના કર્મચારીઓ ભરતભાઈ કોરીયા. ગીજુભાઈ મહેતા. કિર્તીભાઇ કામળીયા. જગદીશભાઈ ધામાં. અનીરૂદ્ઘસિહ સિંધવ. અજયભાઈ સિસોદિયા. અર્જુનભાઈ ઉભડિયા. જયેશભાઈ ધારકે. મિતેશભાઈ ચાંદેગરાએ વકીલ ડી. ડી. દેવાણી મારફત મેંદરડાની મુખ્ય શાખા તેનાં ચેરમેન ભુવનભાઇ જે વ્યાસ. મેનેજીંગ ડાયરેકટર પરાગભાઇ આર. નીમાવત. સેક્રેટરી ઉત્ત્।મભાઈ કાછડીયાને આખરી નોટીસ ફટકારી છે.

શ્રીજી ક્રેડિટ કો. ઓ. સોસાયટી ફાયનાન્સની ઓફિસોને રાતોરાત તાળા લાગતા જુનાગઢ જીલ્લાના ગ્રાહકો, રોકાણકારોના નાંણા ફસાયા હોવાનું બહાર આવ્યા બાદ કેશોદની બ્રાન્ચમાં પણ અનેક નાના ધંધાર્થીઓ, મધ્યમવર્ગની મહામુલી બચત પણ અધ્ધરતાલ થઈ છે.

ગઈકાલે શહેરના સાત થી આઠ જેટલા લોકોએ રૂબરૂ પોલીસને છેતરપિંડીની અરજી આપી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે.

જુનાગઢ જીલ્લામાં આઠેક જેટલી શાખાઓ ધરાવતી શ્રીજી ક્રેડિટ કો.ઓ.સોસાયટીની કેશોદના એસ.ટી. બસ સ્ટેન્ડ સામે ઓફીસ કાર્યરત હતી. જયાં આ ક્રેડિટ સોસાયટીમાં ઘણા સમયથી ટુ વ્હિલર લોન વાહન સ્કિમ તથા ફિકસ ડિપોઝીટ સહિતની યોજનાઓ ચાલુ હતી.

હાલ તો કેશોદના ગ્રાહકોએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. ગ્રાહકોના ફસાયેલા નાણાં પરત નહી મળે તો કેશોદ ના ગ્રાહકોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

(12:45 pm IST)