સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

ધોરાજીનાં બહારપુરા અને વણકરવાસ વિસ્‍તારમાં ખુલ્લી ગટરો અને બુગદા પર જાળી નાખવા પાલીકા સદસ્‍યની લેખિત માગણી

અગાઉ મોટી ગટરમાં તણાઈ જવાથી બે બાળકોના મોત થયા હતા : હનીફમિયા સૈયદ (નગરસેવક) : સત્તાધારી કોંગ્રેસના ૩ સભ્‍યો સહિત ૩૦૦ લતાવાસીઓએ સહી કરીને મુખ્‍ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્‍યું

 (કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૩ : ધોરાજીનાં બહારપુરા અને વણકરવાસ વિસ્‍તારમાં ખુલ્લી ગટરો અને બુગદા પર જાળી નાખવા નગરપાલીકા સદસ્‍યની લેખિત માંગણી કરી છે.  ધોરાજી વોર્ડ નંબર બે નાં ચુંટાયેલા સદસ્‍ય હનિફમિયા સૈયદ એ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને પત્ર પાઠવી જણાવેલ કે આગામી ચોમાસાની ઋતુ આવી રહી છે. ત્‍યારે ધોરાજી નાં બહારપૂરા, વણકરવાસ વિસ્‍તારમાં બે થી અઢી ફુટ પહોળી અને ૧૫૦૦ ફુટ લાંબી ગટર આવેલી છે. ખુલ્લી ગટરમાં નાના બાળકો અને પશુઓ અવારનવાર પડતા નાના મોટા અકસ્‍માતો થાય છે.

આ ત્રણ ગટરો ઢાંકવા તેમજ વોર્ડ નંબર બે અને ત્રણમાં અમુક વિસ્‍તારમાં ગંદા પાણીના નિકાલ માટે મેઈન ગટર સ્‍ટેટ સમયનાં વિશાળ બુગદામાં ભળે છે. જેનાં પર જાળી લગાવવી આવશ્‍યક છે. ૨૦૦૬-૨૦૦૮ માં ત્રણ દરવાજા પાસે ખુલ્લા બુગદા માં અને સ્‍લોટર હાઉસ પાસે ગટરમાં બે માસૂમ બાળકો એ જીવ ગુમાવ્‍યા હતા.

આથી ચોમાસા પહેલા મેઈન ગટર પર ઢાંકણાં લગાવવા અને બુગદા પર જાળી લગાવવી આવશ્‍યક છે. જે આવેદન પત્ર મા અંદાજે ૩૦૦ જેટલાં નાગરિકો તેમજ ત્રણ કોંગ્રેસના સતાધારી નગરસેવકો એ સહી કરી ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.

આ સાથે આવેદનપત્ર રાજ્‍યના મુખ્‍યમંત્રી તેમજ રાજકોટ જિલ્લા કલેકટર વગેરેને પણ મોકલાવેલ છે.

(12:24 pm IST)