સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th June 2022

કચ્છમાં ડૂબવાથી ચારના મોત

ત્રણ યુવાનોના નર્મદા કેનાલમાં અને એક બાળકનું રિસોર્ટમાં ડૂબવાથી મોત : માતાની નજર સામે ડૂબતા યુવાનને બચાવવા પડનારનું મોત,પિતા સાથે સ્વિમિંગ પુલમાં ન્હાવા પડેલા બાળકનું મોત

ભુજ,તા. ૧૩:  કચ્છમાં રવિવારે એક જ દિવસમાં ડૂબી જવાથી ૪ ના મોત નીપજયા હતા. જેમાં ત્રણ યુવાનોનાં નર્મદા કેનાલમાં જયારે એક બાળકનું સ્વિમિંગ પુલમાં મોત નિપજયું હતું. ભચાઉના માનસરોવરમાં રહેતા અકરમ યુસુફભાઈ અબડા તેમની માતા સાથે ધાર્મિક ક્રિયાઓ બાદ ભચાઉ એસઆરપી કેમ્પ પાસે નર્મદા કેનાલમાં પાણીમાં પધરાવવા માટેની વસ્તુઓ લઈ આવ્યા હતા. આ દરમ્યાન તેમનો પગ લપસતાં ડૂબવા માંડ્યા હતા. પુત્રને ડૂબતો જોઈ માતાએ બૂમાબૂમ કરતાં ત્યાંથી પસાર થતાં જીતેન્દ્રસિંહ બલવંતસિંહ જાડેજા નામના યુવાને કેનાલમાં ડૂબકી લગાવી હતી. પરંતુ તેઓ બચાવવામાં સફળ ન થતાં બન્ને યુવાનો ડૂબી ગયા હતા.

બન્નેની લાશની શોધખોળ માટે ભચાઉ, ગાંધીધામ, ભુજની ફાયરફાઈટર ટીમો સાથે નજીકના ગામ લોકો પણ જોડાયા હતા. બે માંથી એક અકરમની લાશ મળી આવી છે. જયારે બીજા યુવાન જીતેન્દ્રસિંહની લાશ હજી મળી નથી. બીજા બનાવમાં ભચાઉ મોગલધામ ના દર્શને ગયેલ મૂળ રાજસ્થાનનો ચંદન લોધિયા નામનો યુવાન નજીક આવેલ નર્મદા કેનાલે ગયો હતો. ત્યાં સેલ્ફી લેવાના ચક્કરમાં પગ લપસતાં આ યુવાન ડૂબી ગયો હતો. તેની લાશ પણ મળી નથી.

ત્રીજા બનાવમાં ખારોઈ (ભચાઉ) પાસે અમૃતબાગ રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ન્હાવા પડેલા પિતા લક્ષમણ કાનજી વેદ અને પુત્ર રિતિક પૈકી ૭ વર્ષનો રિતિક પાણીમાં ડૂબી ગયો હતો. તેને તાત્કાલિક ભચાઉ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. પિતા પુત્રની લાશ લઈ પોતાના ગામ હમીરપર (રાપર) ગયા ત્યારે પરિવારમાં ભારે આક્રંદ છવાયું હતું.

(11:13 am IST)