સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th August 2021

ભાવનગરના પ્રખ્યાત નિષ્કલંક મહાદેવ કોળિયાક દરિયામાં અસ્થિ વિસર્જન માટે કલેકટરને રજૂઆત

ભાદરવી અમાસના દિવસે માત્ર અસ્થિ વિસર્જન શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દરેક લોકો કરી શકે તેવી રજૂઆત

ભાવનગરમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ કહી શકાય તેવું નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે વર્ષોથી પરંપરા મુજબ ભાદરવી અમાસનાં આ દિવસે પરિવારજનોમાંથી સ્વર્ગવાસ પામેલ સ્વજનોની અસ્થિ (ફુલ) ની પૂજા વિધિ અને હિન્દુ શાસ્ત્રોક્ત પ્રમાણે દરિયામાં પધરાવવામાં આવે છે.

પરંતુ કોરોના મહામારીના કારણે અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન મુજબ છેલ્લા બે વર્ષથી નિષ્કલંક મહાદેવ ખાતે અમાસનો મેળો પણ બંધ છે અને અસ્થિ વિસર્જન પણ કરવા દેવામાં આવતું નથી, જે બાબતે મંજૂરી આપવામાં આવે જેથી આવનારા દિવસોમાં આવી રહેલ ભાદરવી અમાસના દિવસે માત્ર અસ્થિ વિસર્જન શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દરેક લોકો કરી શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ગત વર્ષે પણ ભાવનગર તેમજ બહારથી આવેલ દરેક લોકોને પોલીસ દ્વારા ત્રણ કિલોમીટર દૂર બહારથી જ પરત મોકલી દેવામાં આવ્યા હતા જે બાબતે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું, તેથી આ વર્ષે આવનારી અમાસના દિવસે લોકોને કોરોના ની સંપૂર્ણપણે ગાઈડલાઈન અનુસાર અને જે પણ લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેઓના મૃત્યુના દાખલા અને માત્ર બે જ લોકોએ પોતાનું આધારકાર્ડ સાથે રાખી અને ચકાસી તંત્ર દ્વારા પાસ ઇસ્યૂ કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ છે.

જેથી બહારથી આવેલા લોકોને અસ્થિ (ફૂલ) પધરાવવામાં કોઈ અડચણ કે વિઘ્ન ના આવે અને શાસ્ત્રોક્ત વિધિવત પ્રમાણે કોળીયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં અસ્થિ વિસર્જન કરી શકે તેવી જિલ્લા કલેકટરને ગુરુવારે સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

આ શિવલીંગ સમુદ્રમાં હોવાથી માત્ર ઓટના સમયે જ તેના દર્શન થઇ શકે છે. દર વર્ષે શ્રાવણ વદ ચૌદશે તથા ભાદરવી અમાસને દિવસે અહીં પરંપરાગત રીતે જ લોકમેળો યોજાય છે. આ દિવસે નિષ્કલંક મહાદેવજીના મંદિરને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે.મંદિરના મુહૂર્ત પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિકો અને શ્રધ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરે છે

(8:23 pm IST)