સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th June 2022

સુરેન્દ્રનગરના પાટડીના મેરા ગામમાં દંપતિ ઉપર હીચકારો હુમલો : પત્નીનું મોત :પતિ ઘાયલ

ધારાસભ્ય નૌશાદ સોલંકીને જાણ થતાં ઘટના સ્થળની મુલાકાત લઈ કુંટુબીજનોને સાંત્વના આપી

સુરેન્દ્રનગર જીલ્લામાં પાટડી તાલુકાના છેવાડાના મેરા ગામે રાતના સમયે સુઈ રહેલા દંપતી પર હુમલો કરી અજાણ્યા હુમલાખોર ફરાર થઈ ગયા છે. હુમલામાં પત્નીનું મોત થયુ અને પતિ ઘાયલ થયો હતો. જેને મહેસાણા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પત્નીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે પાટડી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સુરેન્દ્રનગર જીલ્લામાં જાણે હત્યા કરવી, જૂથ અથડામણ, બિન વારસી મૃતદેહ મળવા જેવી ઘટનાઓ સામાન્ય બની છે. પોલીસ સબ સલામતના દાવાઓ સાથે હાથ પર હાથ રાખી બેસી રહે છે. ત્યારે પાટડી તાલુકાના છેવાડાના મેરા ગામે રહેતા એક પરીવારના દંપતી પાલાભાઈ હીરાભાઈ અને પત્ની ગજરાબેન વાઘેલા ઘરના રાતના સમયે સુતા હતા. રાતના અઢી વાગ્યે બે અજાણ્યા હિન્દી ભાષી હુમલાખોરે ઘરમાં પ્રવેશી પતિ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ગજરાબેનનું ગળુ કાપી હત્યા કરી નાખી હતી અને પાલાભાઈ વાઘેલાએ પ્રતિકાર કરતા હુમલાખોરોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાનો બનાવ બનતા ગામલોકો ભેગા થયા હતા અને તાત્કાલિક 108ને બોલાવી ગંભીર ઈજાગ્રસ્ત પાલાભાઈને મહેસાણા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

ગામ લોકો દ્વારા આ ઘટના અંગે પાટડી પોલીસને જાણ કરતા પોલીસ, ક્રાઈમબ્રાંચ, DYSP, DSP સહિતનો પોલીસ કાફલો મેરા ગામે પહોંચ્યો હતો. પોલીસે પત્નીના મૃતદેહનો કબ્જો લીધો અને પોસ્ટમોર્ટમ માટે પાટડી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અલગ અલગ ટીમો બનાવી અને બાતમીદારોને કામે લગાડી હત્યારાઓ સુધી પહોંચવા જાળ બિછાવી હતી. આ ઘટના અંગે ધારાસભ્ય નૌશાદ સોલંકીને જાણ થતાં ઘટના સ્થળની મુલાકાત લઈ કુંટુબીજનોને સાંત્વના આપી હતી.

એકતરફ પોલીસને હત્યારાઓના કોઈ પૂરાવા મળ્યા ન હતા. આ હિન્દી ભાષી હુમલાખોરો કોઈ ભાડુતી હત્યારાઓ હતા, અગંત કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો કે લૂંટના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ ઘરમાં તમામ વસ્તુ સહી સલામત હતી, જેથી નક્કી કરી શકાય કે લૂંટના ઈરાદે હુમલો કરવામાં આવ્યો નથી. હવે એ જોવાનું રહ્યુ કે હત્યારાઓ ક્યારે ઝડપાય છે અને હત્યાનું કારણ શું બહાર આવે છે.

(9:11 pm IST)