સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th December 2022

મોરબીમાં અઢી વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર રાક્ષસને આજીવન કેદ

બાળકી સાથે દુષ્કર્મ આચરી તળાવમાં ફેકી દેતા માસૂમનું થયું હતું મોત દુષ્કર્મ-હત્યા કેસમાં નરાધમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

મોરબી તાલુકાની સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની અઢી વર્ષની માસૂમ દીકરીને ઓરડીમાંથી ઉઠાવી જઈને નરાધમે હવસનો શિકાર બનાવી હતી અને બાદમાં બાળકીને તળાવમાં ફેકી દેતા માસૂમનું મોત થયું હતું જે ચકચારી બનાવ અંગેનો કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે નરાધમને આજીવન કેદની સજા અને દંડ ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે

જે કેસની વિગતો જાણીએ તો મોરબીમાં તારીખ ૦૩-૦૫-૨૦૧૮ ના રોજ મોરબી નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા એમપીના રહેવાસી પરિવારની બાળકી પરિવાર સાથે ઓરડીમાં સુતી હોય ત્યારે માતા અને પિતા બાથરૂમ કરવા ગયા હતા અને પરત આવી જોયું તો અઢી વર્ષની બાળકી ઓરડીમાં ના હતી જેને કોઈ ઉઠાવી ગયું હોય જેથી પરિવારે શોધખોળ કરતા તળાવના પાણીમાં ડૂબી જતા બાળકીનું મોત થયાનું ખુલ્યું હતું અને બાદમાં ફોરેન્સિક પીએમમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ખુલતા પોલીસે આરોપી સુરજકુમાર ગોરેલાલ ચૌહાણ નામના ઈસમને ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી
જે કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટ અને ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ ડી.પી.મહીડા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ સી દવેની ધારદાર દલીલો તેમજ ૪૪ દસ્તાવેજી પુરાવા અને ૨૪ મૌખિક પુરાવાઓ રજુ કર્યા હતા અને આરોપીએ માસૂમ બાળકીનું સર્વસ્વ લુંટી લઈને બાળકીની નિર્મમ હત્યા કરી હોવાની દલીલો કરી હતી જે દલીલોને ધ્યાને લઈને સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી સુરજકુમાર ગોરેલાલ ચૌહાણ રહે હાલ રોસાબેલા સિરામિક ઓરડી વાળાને કસુરવાન ઠેરવ્યો હતો
જે આરોપીને કોર્ટે આઈપીસી કલમ ૩૬૩ ના ગુનામાં પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦૦૦ નો દંડ તેમજ દંડ ના ભરે તો વધુ ૩ માસની સખ્ત કેદની સજા, આઈપીસી કલમ ૩૭૬ (૨), ૩૭૬ એ.બી. સાથે જાતીય ગુણોથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૩ (એ),૪,૬ તથા ૧૮ મુજબના ગુનામાં ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ તેમજ દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૧ વર્ષની સખ્ત કેદની સજા તેમજ આઈપીસી કલમ ૩૦૨ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા અને રૂ ૧૫,૦૦૦ દંડ અને જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૨ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે
ભોગ બનનારના પરિવારને વળતર ચુકવવા આદેશ આપ્યો
મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટે દુષ્કર્મ અને હત્યાના ગુનામાં ભોગ બનનારના માતાપિતાને ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના ૨૦૧૯ ના નિયમો અનુસાર રૂ ૫ લાખ અને આરોપી જે દંડની રકમ રૂ ૨૮.૦૦૦ ભરે તે મળી કુલ રૂ ૫.૨૮ લાખ વળતર પેટે ચુકવવા આદેશ કર્યો છે અને આરોપી દંડની રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય તો રૂ ૫ લાખ વળતર પેટે ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે જે વળતરની રકમ ચુકવવા જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય મોરબીને હુકમ કરવામાં આવ્યો છે

(12:57 am IST)