સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th September 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાનો વિરામઃ હજુ પણ વરસાદની ઘટ

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરમદીને રાત્રીથી ગઇકાલે ચઢતા પહોર સુધી મેઘરાજાની ધોધમાર બેટિંગ બાદ ગઇકાલે આખો દિવસ મેઘરાજાએ પોરો ખાધો હતો. જોકે અનેક વિસ્તારમાં હળવા ઝાપટા વરસ્યા હતા.

ગુરૃવારે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. માત્ર ખંભાળિયા તાલુકામાં ગુરુવારે બપોરે માત્ર બે મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. આ સિવાય જિલ્લાના અન્ય ત્રણ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. જો કે ગઇકાલે આખો દિવસ મેઘાવી માહોલ રહ્યો હતો અને વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું.

ડિઝાસ્ટર કંટ્રોલ રૃમ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ કલ્યાણપુર તાલુકામાં ર૭ ઇંચ (૬૭૧ મીમી), ખંભાળિયા તાલુકામાં ઇંચ (પ૯૮ મીમી), ભાણવડ તાલુકામાં ૧૯ ઇંચ (૪૭૭ મીલીમીટર) અને દ્વારકા તાલુકામાં પણ ૧૯ ઇંચ (૪૭૭ મીલીમીટર) વરસાદ વરસ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ સરેરાશ ૭૮.પ૮ ટકા વરસાદ વરસ્યો હોવાનું જાહેર થયું છે.

સરકારી ચોપડે મોસમનો કુલ પોણા ભાગનો વરસાદ વરસી ચૂકયો છે. પરંતુ જિલ્લાના મોટાભાગના જળાશયોમાં હજુ પણ ખાલી છે. હવે જો મુશળધાર વરસાદ વરસે તો જ જિલ્લાના જળસ્ત્રોતોમાં પર્યાપ્ત વિપુલ જળરાશિ આવી શકે.

આજે સવારથી ખંભાળિયા પંથકમાં મેઘ વિરામ વચ્ચે ઉઘાડ થતાં થોડો સમય સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા.

(1:15 pm IST)