સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th September 2021

વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરૂ મેં દેવ સર્વકાર્યેષુ સર્વદા

ગણપતિજીની સ્થાપના સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ

કોરોના ગાઇડ લાઇનનાં પાલન સાથે અનેક જગ્યાએ જાહેર સ્થળોએ સ્થાપના : દરરોજ પૂજન, અર્ચન, દર્શન, મહાઆરતીના કાર્યક્રમો

રાજકોટ,તા. ૧૦: આજે ગણેશ ચર્તુથીથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ગણપતિજીની મૂતિઓને ઘરે-ઘરે સ્થાપના કરવામાં આવી છે. તેમજ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે જાહેર સ્થળોએ પણ સ્થાપના કરાઇ છે.
ગત સાલ કોરોનાની મહામારીમાં મોકૂફ રહેલો ગણેશોત્સવને ઉજવવા માટે ચાલુ સાલે સરકારે આપેલી છુટછાટને પગલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દુંદાળા દેવના પંડાળ-મંડપ નાખવામાં આવી રહ્યા છે અને ભાવિકો દેવને આવકારવા માટે આતુર બન્યા છે. શુક્રવારથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે અને તેમાં સરકારે જાહેર કરેલી ગાઇડલાઇનનું પાલન કરવા જણાવાયેલુ હોવાથી આયોજકો તેને આધિન રહીને આયોજનો કરી રહ્યા છે.
જસદણ
(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : ગણેશોત્સવનો પ્રારંચ આજથી થયો હોય ત્યારે ગજાનના ગુણલા ગાવા જસદણ શહેર સજ્જ થઇ ગયું છે. કોરોના સંક્રમણના કારણે છેલ્લા બે વર્ષથી મોટાભાગના તહેવારો ફીકકા પડી ગયા હતા. ત્યારે આ વર્ષે સંક્રમણ હળવું થતા અને થોડી ઘણી છુટછાટો મળતા ગણેશ મહોત્સવના આયોજનથી ભાવિકોના હૈયા હરખાઇ ઉઠ્યા છે.
કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે ઘરે ઘરે તેમજ હાઇસ્કૂલ રોડ, વાજશુરપરા આદમજી રોડ, ચિતળિયાકુવા રોડ, મોતી ચોક, ટાવરચોક, આટકોટ રોડ, સ્ટેશન રોડ, શાકમાર્કેટ, પારેવાનો ઓટો, લાતી પ્લોટ જેવા વિવિધ ચોક વિસ્તારોમાં આજે ગણપતિજીનું સ્થાપના થયું હતું. કોઇ એક દિવસ, કોઇ ત્રણ દિવસ કોઇ પાંચ દિવસ અને કોઇ દસે દસ દિવસ દાદાને બીરાજમાન કરશે. દરરોજ સવાર સાંજ આરતી, ધૂન અને ભકિત સંગીતના કાર્યક્રમો થશે. છેલ્લે દિવસે વાજતે ગાજતે વિસર્જન યાત્રા યોજી સમાપન કરાશે. નગરજનોને જસદણના પ્રથમ નાગરિક નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન અલ્પેશભાઇ રૂપારેલીયાએ આજે શુભેચ્છા પાઠવી હતી.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ આજથી વિધ્નહર્તાની ભકિત કરવાના સુંદર અવસર સમાન ગણેશ મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વાજતે ગાજતે અને ભકિતભાવપૂર્વક ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ વખતે સરકારની ગાઈડલાઈન મુજબ મોટા આયોજન રદ્દ હોવાથી મોટાભાગે ઘર અને શેરીમાં જ ગણપતિ દાદાનું સ્થાપન થશે.
સરકારે આ વખતે ગણેશ મહોત્સવ કોવિડને ધ્યાને લઈને ૧ થી ૪ ફૂટની ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવાની છૂટ આપી છે.આથી મોરબીમાં જાહેરમાં ગણપતિ મહોત્સવના એકપણ મોટા આયોજન થયા નથી. જો કે ગયા વર્ષ કરતા આ વર્ષે કોરોનાની સ્થિતિ એકદમ બહેતર છે. આથી સરકારે ગણેશ મહોત્સવ અમુક છૂટછાટો આપી છે. આથી નવ-દસ દિવસ સુધી દુંદાળા દેવની ભકિત કરવા માટે મોરબીવાસીઓમાં અનેરો ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આવતીકાલથી મોંઘેરા મહેમાન ગણપતિ દાદા શેરી, ગલી કે મહોલ્લા અને ઘરમાં બિરાજમાન થશે. અને સમગ્ર શહેર દુંદાળા દેવ મય બની જશે.
પ્રભાસ પાટણ
(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ : શ્રી રમરાખ ચોક ગણેશ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રભાસ પાટણના રામરાખ્ ચોકમાં સાત દિવસ માટે ગજાનન ગણપતિનિ મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે.જેમાં પ્રથમ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના રોજ ગણેશજીનિ મૂર્તિ પ્રતિષ્ઠા બાદ ૧૦૦૮ મોદક (લાડુ) નો સ્થાનિક ભૂદેવો દ્વારા સમસ્ત ગ્રામજનોની સુખાકારી માટે તેમજ સમગ્ર દેશમાં હાલના સમયે ચાલી રહેલી કોરોના મહામારીમાંથી તમામ ભારતીયો ને મુકિત મળે તે માટે હવન યોજાશે.તો આ યજ્ઞમાં સૌ નગરજનો દર્શન માટે પધારે. આવનાર દરેક દર્શનાર્થીઓ સરકારની ગાઇડલાઈન નું ચુસ્તપણે પાલન કરે તેવી રામારાખ ચોક ગણેશ મિત્રમંડળ વતી વિનંતી કરાઇ છે.

 

(11:20 am IST)