સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 10th August 2022

પોરબંદરઃ ભારતીય સેનામાં જોડાવવા માટે માર્ગદર્શન સેમીનારયોજાયો

પોરબંદર, તા.૧૦: શ્રી ઇન્‍ટરનેશલ મહેર સુપ્રીમ કાઉન્‍સિલની યુવા શાખા દ્વારા યુવાનો ભારતીય સેનામા જોડાય તે માટેનો માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. જેમાં માર્ગદર્શન આપવા કર્નલ રાજેશ સિંહ, શોર્યચક્ર અને સેના મેડલ વિજેતા, લેકિટનેટ કમાન્‍ડર રોહિત ધનખડ તેમજ નિવૃત સૈનિક અને ગીર સોમનાથ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રાણાભાઇ ઓડેદરાની વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

સેમિનારમાં દેશ માટે શોર્ય ભર્યું કાર્ય કરનાર કર્નલ રાજપુતાના રાયફલમાં હાલ ફરજ બજાવે છે. અને તેમણે કીર્તિ મંદિરની મુલાકાત લઇ પૂ.બાપુને પુષ્‍પાંજલિ અર્પણ કરી પોરબંદર શોર્ય અને ઉર્જાવાન પાવન ધરતી છે તેવું કહ્યું હતું. તથા પોરબંદરના પનોતા પુત્ર શહીદ વીર નાગાર્જુન સિસોદિયાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્‍યારબાદ તેમણે મહેર સમાજના અધિકારીઓ દ્વારા ફાળો એકત્રિત કરી સર્વ જ્ઞાતિ માટેશ્રી મેહર વિદ્યાર્થી ભવન ખાતે યુપીએસસી અને જીપીએસસી ક્‍લાસની તૈયારી કરતા યુવાનો માટે એક લાઇબ્રેરી પણ ખુલ્લી મૂકી હતી. યુવાનોને માર્ગદર્શન આપતા દેશભક્‍તિ અને જુનૂનથી દેશ સેવાનું આહવાનશ્રી કર્નલ સામે કર્યું હતું.

આ કાર્યક્રમમાં આર્મીમાં ભરતી અર્થે કમાન્‍ડરશ્રી ધનખડ અને શ્રીરાણાભાઇ ઓડેદરાએ પણ ખૂબ જ ઝીણવટ ભરી માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સિલના સભ્‍યો તેમજ અન્‍ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમા રાણાભાઇ સીડા, નાગેશ ભાઈ ઓડેદરા, લાખાભાઈ કેશવાલા, બચુભાઈ આંત્રોલીયા, પ્રિન્‍સિપાલ નવઘણભાઈ મોઢવાડિયા, અરજનભાઈ ખીસ્‍તારીયા, હમીરભાઇ ખીસ્‍તરીયા અને ખૂબ જ મોટી સંખ્‍યામાં માજી સૈનિકો જોડાયા હતા.

(10:28 am IST)