સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th June 2022

પોરબંદરની ભાવસિંહજી હાઇસ્‍કુલમાં યોજાયેલ કારકીર્દી માર્ગદર્શનકાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પસંદગીના ક્ષેત્રમાં મહેનત કરવા અનુરોધ

પોરબંદર, તા., ૧૦:  ભાવસિંહજી હાઈસ્‍કુલ ખાતે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં  વિદ્યાર્થીઓમાં રહેલી શક્‍તિ બહાર આવે તથા ગમતા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા મહેનત કરવા તા.પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલાએ જણાવ્‍યું હતું.

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગના સહયોગમાં તથા જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત નવી દિશા, નવું ફલક સાથે તાલુકાકક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ  કાર્યક્રમમાં જુદા જુદા વિભાગોના નિષ્‍ણાતો દ્વારા ધો.૯  થી ધો.૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન અપાયું હતું. આ સાથે વિદ્યાર્થીઓ, વાલીઓ તથા મહાનુભાવોએ કારકિર્દી માર્ગદર્શન ઓનલાઇન કાર્યક્રમ પણ નિહાળ્‍યો હતો.

તા.પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા પોલીટેક્‍નિકના પ્રિન્‍સિપાલ શ્રી કાલરીયા શ્રી ખુદાઈવાળા  આઈટીઆઈના શ્રી કારવદરા તથા જિલ્લા શિક્ષણાધિકારી  નમ્રતાબા વાદ્યેલા એ ઉપસ્‍થિત રહી વિધાર્થીઓને માર્ગદર્શન આપ્‍યું હતું. ચિરાગભાઈ દવે એ વિદ્યાર્થીઓને કારકિર્દીનું માળખું અસરકારક રીતે સમજાવ્‍યું હતું. ઇન્‍ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી નમ્રતાબેન વાદ્યેલાએ જણાવ્‍યું કે આ કાર્યક્રમથી માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિકના વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન મળી રહેશે.

કાર્યક્રમમાં શ્રી ખુદાઈવાળા દ્વારા ટેકનિકલ શિક્ષણ દ્વારા એન્‍જિનિયરિંગ કોર્સ, મુખ્‍યમંત્રી યુવા સ્‍વાવલંબન યોજના સહિત શૈક્ષણિક યોજનાઓ વિશે વિદ્યાર્થીઓને વિસ્‍તારથી જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત આઇટીઆઇના શ્રી કારાવદરા  દ્વારા વિદ્યાર્થીઓ તથા તેઓના વાલીઓ સાથે પ્રશ્નોત્તરી દ્વારા વિશેષ જાણકારી પૂરી પાડવાની  સાથે વિવિધ અભ્‍યાસક્રમો વિશે વિસ્‍તારથી જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં લાઈઝન પી.આર.દીક્ષિત, પોલીટેકનીક કોલેજના આચાર્ય,, આઈ.ટી.આઈ આચાર્ય, રોજગાર વિભાગ સહિત કચેરીઓના તજજ્ઞો ઉપસ્‍થિત રહીને  વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્‍યું હતું. તથા કોર્ષ કર્યા પછી રોજગારીની તકો, કેવી રોજગારી મળે તેની જાણકારી પણ આપી હતી. કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આચાર્ય તુષાર પુરોહીત , શ્રી મુલતાણી સાહેબ ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે રોજગાર કચેરી, કૃષિ અને પશુપાલન વિભાગ, આઈ.ટી.આઈ વગેરે કચેરી દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી પેમ્‍પ્‍લેટ આપવામાં આવ્‍યા હતા. કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજાએ કર્યું હતું. આ કાર્યક્રમની  સફળતા માટે આયોજક   શૈલેષભાઇ પરમારે જહેમત ઉઠાવી હતી.

(1:22 pm IST)