સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th June 2022

ભાવનગરમાંથી રૂ.૨ હજાર ના દરની રૂ.૭.૫૮ લાખની ડુપ્‍લીકેટ નોટો સાથે બે મહિલાઓ ઝડપાય

(મેઘના/વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦: ભાવનગરની પોલીસે શહેરના તરસમીયા રોડ પાસેથી રૂ. ૭.૫૮ લાખની બે હજારના દરની જાલી નોટો બે મહિલાઓને ઝડપી લઈ વધુ પુછપરછ હાથ ધરી છે. બોટાદની મહિલા ભાવનગરની મહિલાને જાલીનોટ આપવા ભાવનગર આવી હતી.

આ અંગે  મળતી માહિતી મુજબ ભાવનગર શહેરની શિવસાગર સોસાયટીથી આગળ, ત્રિપદા ફાર્મ સામે, તરસમિયા તરફ જવાના રસ્‍તા પર   બે મહિલા એક નંબર પ્‍લેટ વિનાના સ્‍કુટર પર આવી ભારતીય ચલણની બનાવટી નોટોનો વહીવટ કરવા ઉભા હોવાની ભાવનગર એસ.ઓ.જી.ને ચોક્કસ બાતમી મળી હતી . જેથી એસઓજીની ટીમે મહિલા સ્‍ટાફને સાથે રાખી ત્રિપદા ફાર્મ પાસે ત્રાટકી રેખાબેન હર્ષદભાઈ મકવાણા (ઉ.વ .૩૫, ૨હે, ૩૦૩-ત્રીજા માળે , શિવશક્‍તિ આર્કેડ, ટોપ -૩ પાસે , રીંગ રોડ ભાવનગર) અને મનીષાબેન ધનજીભાઈ રેલિયા (ઉ.વ .૪૦, રહે , વાડી વિસ્‍તાર , સૂર્યાગાર્ડન પાછળ , ઉમિયા ઓઈલ મીલની સામે, પાળિયાદ રોડ, બોટાદ) નામની બે મહિલાને શંકાસ્‍પદ હાલતમાં પકડી પાડી પર્સની જડતી કરતા રેખાબેન નામની મહિલા પાસેથી રૂા .૨,૦૦૦ ના દરની નોટોના ૩૩ બંડલ તેમજ મનીષાબેન નામની મહિલાના પર્સમાંથી બે હજારની નોટના ૨૨ બંડલ મળી એક જ સિરીઝની કુલ ૩૭૯ કલર પ્રિન્‍ટમાં પ્રિન્‍ટ કાઢેલી બનાવટી નોટો કબજે કરી હતી .

ભાવનગર એસ.ઓ.જી.એ બંને મહિલાની ધરપકડ કરી આગવીઢબે પૂછતાછ કરતા રેખાબેનએ જણાવ્‍યું હતું કે , આ બનાવટી નોટો તેને બોટાદની મહિલા મનીષાબેન રેલિયા અહીં આપવા માટે આવી હતી . ૭,૫૮,૦૦૦ ની કિંમતની બનાવટી કરન્‍સીના બદલામાં તેને ૨,૫૦,૦૦૦ ની ખરી નોટો ચુકવવાની વાત થઈ હતી . તેમજ પ્રથમ ૨૫૦ જાલીનોટ બજારમાં ખરા તરીકે વટાવી ફરતી કરવાની અને બાકીની નોટ પાછળથી ખરા તરીકે ઉપયોગ કરવાનું નક્કી થયું હતું . જ્‍યારે દેશના અર્થતંત્રને ખોખલું કરવાનો બદઈરાદો રાખનાર બોટાદની મહિલા મનીષાબેન રેલિયા હાલ પ્રાથમિક તબક્કે માસ્‍ટર માઈન્‍ડ હોય તેણીએ એવી કબૂલાત આપી હતી કે આ બનાવટી નોટો તેને જ કલર પ્રિન્‍ટર માં છાપી હતી. જો કે પોલીસ આ બંને પાછળ કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગે તપાસ ચલાવી રહી છે. ભાવનગર એસ.ઓ.જી. પોલીસ  એ રૂા .૨,૦૦૦ ના દરની કુલ ૩૭૯ ડુપ્‍લીકેટ નોટ , ત્રણ મોબાઈલ ફોન , સ્‍કુટર , બે પર્સ અને રૂા .૧,૪૮૦ ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી રેખાબેન મકવાણા અને મનીષાબેન રેલિયા વિરૂધ્‍ધ  ભરતનગર પોલીસ મથકમાં આઈપી ૪૮૯, ૪૮૯ એ , ૪૮૯ બી, ૪૮૯ સી, ૪૮૯ સી , ૩૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:39 am IST)