સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th June 2022

વાંકાનેરમાં નિયમીત વીજ બિલ ભરતા ગ્રાહકોના ઘરે-ઘરે જઇને સન્‍માન

પી.જી.વી.સી.એલ. તંત્રએ ગ્રાહકોની જાગૃતિને બિરદાવી

(હિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૧૦ : પી.જી.વી.સી.એલ. મોરબી વર્તુળ હેઠળની વાંકાનેર વિભાગીય કચેરી હેઠળના માનવતા ગ્રાહકો કે જેઓ દ્વારા ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્‍યાન તેમના પોતાના વીજબીલની રકમ બીલ મળ્‍યાના પાંચ દિવસમાં જ ભરપાઇ કરેલ હોય અને આ નિયમીતતા સતત એક વર્ષ સુધી જાળવી રાખેલ હોય તેવા ગ્રાહકોના ઘેર ઘેર ઢોલ-નગારા સાથે ઉપરોકત કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓ તથા સ્‍થાનિક રાજકીય આગેવાનોને સાથે રાખી આવા ગ્રાહકોના ઘરે જઇ પુષ્‍પગુચ્‍છ તથા શીલ્‍ડ આપી સન્‍માનિત કરવામાં આવેલ હતા.

આ નિયમીતતા ધરાવતા વાંકાનેર શહેરનાં વિશીપરા ગોડાઉન રોડ ખાતે રહેતા ઇકબાલભાઇ ઇબ્રાહીમભાઇ તેમજ ચાવડી ચોક ખાતે આવેલ નિલકંઠ શેરીમાં રહેતા વર્ષાબેન સુભાષચંદ્ર કંસારા (કાગડા) વતી તેમના પ્રતિનિધી કૌશીકભાઇ એન કાગડાનું સન્‍માન કરવામાં આવેલ હતું. ઉપરોકત સન્‍માન કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા ભા.જ.પના મહામંત્રી હિરાભાઇ નોંઘાભાઇ બાંભવા તેમજ પી.જી.વી.સી.એલ. કંપની વતી કાર્યપાલક ઇજનેરશ્રી એસ.આર.રાંકજા સાહેબ તથા જુનિયર ઇજનેર શ્રી એસ.જે.મન્‍સુરસાહેબ તથા અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. 

(2:41 pm IST)