સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

લોધીકા પાસે નકલી પોલીસ બની હની ટ્રેપ કરતી ગેંગ પકડાઇ

સગાઇ કરવાના બહાને નગરપીપળીયાના પટેલ કાકા-ભત્રીજાને રાજકોટની ફાલ્ગુનીએ બોલાવ્યા બાદ સાગ્રીતોને તેડાવી ફસાવ્યા!: ખરાબ ધંધા કરો છો? તેમ કહી ફોટા પાડી ૪.૭પ લાખના તોડને કારસો રચનાર નકલી પોલીસમેન રણજીત ભરવાડ, જયપાલસિંહ જાડેજા તથા તેના સાગ્રીતો વિજયસિંહ મકવાણા, ફાલ્ગુની જોબનપુત્રા રહે. તમામ રાજકોટ, મુખ્ય સુત્રધાર રમેશ રામાણી (રહે. નગર પીપળીયા), મનસુખ લીંબાસીયા (રહે. ઇશ્વરીયા) સહિત ૬ ને લોધીકા પોલીસે ઝડપી લીધા

 

તસ્વીરમાં રૂરલ એસપી અંતરીપ સુદ પત્રકારોને માહીતી આપતા નજરે પડે છે. ડાબી બાજુ લોધીકાના મહિલા પીએસઆઇ એચ.પી.ગઢવી અને લોધીકા પોલીસનો સ્ટાફ નજરે પડે છે. નીચેની તસ્વીરમાં પકડાયેલ યુવતી અને અન્ય પાંચ શખ્સો દેખાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 

રાજકોટ, તા., ૬: લોધીકાના નગર પીપળીયા પાસે નકલી પોલીસ બની હની ટ્રેપ કરતી ગેંગને લોધીકા પોલીસે ઝડપી લીધી છે. સગાઇ કરવાના બહાને પટેલ કાકા-ભત્રીજાને રાજકોટની યુવતીએ બોલાવી ત્યાર બાદ  તેના સાગ્રીતોએ નકલી પોલીસ બનીને આવી  'ખરાબ ધંધા શું કરો છો? ' તેમ કહી ૪.૭પ લાખનો તોડ કરવાનો પ્રયાસ  કરે તે પુર્વે જ આ  ટોળકી પોલીસ સકંજામાં સપડાઇ ગઇ હતી.

આ અંગે રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં એસપી અંતરીપ સુદે માહીતી આપતા જણાવ્યું હતું કે, લોધીકાના નગર પીપળીયા ગામે રહેતા ગોરધનભાઇ ચનાભાઇ તારપરા (પટેલ)ના ભત્રીજાની સગાઇ કરવાની હોય રાજકોટની ફાલ્ગુની દિલીપભાઇ જોબનપુત્રા નામની યુવતીએ તેઓને ફોન કરી તમારા ભત્રીજા માટે યુવતી છે, સગાઇ કરવી છે? તેવું કહેતા ગોરધનભાઇએ હા પાડી હતી અને ત્યાર બાદ ફાલ્ગુનીએ ગોરધનભાઇ તારપરા અને તેના ભત્રીજા દિનેશ મોહનભાઇ તળાવીયાને નગર પીપળીયા પાસે ફોન કરી ગત તા. ર ના રોજ બોલાવ્યા હતા.

નિયત સમય મુજબ રાજકોટની ફાલ્ગુની  નિકાવા આવી જતા ત્યાંથી ગોરધનભાઇ અને તેનો ભત્રીજો તેને તેડી લાવી વાડીએ લઇ ગયા હતા. જયાં વાતચીતનો દોર ચાલુ હતો ત્યારે જ રણજીત રતીભાઇ ભરવાડ (રહે. સત્યમ પાર્ક, મોરબી રોડ, રાજકોટ) તથા જયપાલસિંહ વનરાજસિંહ જાડેજા (રહે. રેલનગર, પોપટપરા-રાજકોટ) નકલી પોલીસ બની આવ્યા હતા.

ઉકત બંન્ને નકલી પોલીસમેને શું ખરાબ ધંંધા કરો છો? તેમ કહી પટેલ કાકા-ભત્રીજાના મોબાઇલ લઇ માર માર્યો હતો અને બાદમાં પટેલ કાકા-ભત્રીજા અને ફાલ્ગુનીને વચ્ચે ઉભી રાખી ફોટા પાડી લઇ બળાત્કારના ગુન્હામાં ફીટ કરી દેશું તેવી ધમકી આપી હતી અને ગોરધનભાઇના ખિસ્સામાંથી ર૦૦૦ સાથેનું પાકીટ પણ પડાવી લીધું હતું. તેમજ હમણા જ કાલાવડથી પીઆઇ સાહેબની ગાડી આવશે અને બળાત્કારના ગુન્હામાં ફીટ થઇ જશો તેવું કહેતા બંન્ને કાકા-ભત્રીજા ગભરાઇ ગયા હતા. ત્યાર બાદ આ બંન્ને નકલી પોલીસમેને ગામમાં તમે કોને ઓળખો છો? તેવું કહેતા ગોરધનભાઇએ નગર પીપળીયાના  રમેશ લખમણ રામાણીને ઓળખતા હોવાનું કહેતા આ બંન્ને તેને મધ્યસ્થી તરીકે બોલાવવાનું કહેતા રમેશ રામાણી આવ્યો હતો. શરૂઆતમાં આ બંન્ને નકલી પોલીસમેને ૧૦ લાખની માંગણી કરી હતી. બાદમાં ૪.૭પ લાખ આપવાનું નક્કી કરી બધા છુટા પડયા હતા.

ફરીયાદી ગોરધનભાઇની પુત્રીના ગત તા. પ એ લગ્ન હોય પ તારીખ પછી તુર્ત જ રૂપીયા આપવાનું નક્કી થયું હતું. પરંતુ સગવડતા ન થતા ગોરધનભાઇએ ગામના માજી સરપંચને વાત કરી હતી અને માજી સરપંચ સહીતના ગામના આગેવાનો લોધીકાના મહિલા પીએસઆઇ ગઢવીને મળતા તેઓએ અલગ-અલગ ટુકડી બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

રૂરલ એસપી અંતરીપ સુદ તથા ગોંડલના ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ લોધીકાના પીએસઆઇ એચ.પી.ગઢવી તથા અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી તોડનો કારસો રચનાર નકલી પોલીસમેન  રણજીત ભરવાડ, જયપાલસિંહ જાડેજા, વિજયસિંહ રણજીતસિંહ મકવાણા (રહે. પોપટપરા-રાજકોટ) મનસુખ કુંરજી લીંબાસીયા (રહે. મૂળ ઇશ્વરીયા) તથા રમેશ લખમણ રામાણી(રહે. નગર પીપળીયા) તથા ફાલ્ગુની દિલીપભાઇ જોબનપુત્રા (રહે. જંકશન પ્લોટ-રાજકોટ)ને દબોચી લઇ આકરી પુછપરછ કરતા સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ થયો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર કારસ્તાન નગર પીપળીયાના રમેશ લખમણ રામાણીએ ઘડયું હતું. તેને ખબર હતી કે નગર પીપળીયાના ગોરધન તારપરાના ભત્રીજાની સગાઇ કરવાની છે અને તેની પુત્રીના પ તારીખે લગ્ન હોય બ્લેક મેઇલ કરી તેની પાસેથી રૂપીયા નીકળશે તેવું જાણતા તેણે ઇશ્વરીયાના મનસુખ લીંબાસીયાને વાત કરી હતી અને મનસુખે રાજકોટના વિજયસિંહ મકવાણાને વાત કરતા તેણે ફાલ્ગુનીનો સંપર્ક કરી ગોરધનભાઇ સાથે સગાઇ અંગે વાતચીત કરવા જણાવ્યું હતું અને સગાઇના બહાને ફાલ્ગુનીએ નગર પીપળીયાના ગોરધનભાઇ તથા તેના ભત્રીજા દિનેશને બોલાવતા નકલી પોલીસ બની રણજીત ભરવાડ અને જયપાલસિંહ જાડેજા ચડી આવ્યા હતા અને તોડનો કારસો રચ્યો હતો. જો કે, તોડની રકમ મળે તે પુર્વે જ આ ટોળકી પોલીસના સકંજામાં સપડાઇ ગઇ હતી.

નકલી પોલીસમેન બની તોડ કરતી આ ગેંગને ઝડપી લેવામાં લોધીકાના મહિલા પીએસઆઇ એચ.પી.ગઢવી, એએસઆઇ ગજરાજસિંહ જાડેજા, પ્રોબેશ્નલ એએસઆઇ સુરભીબેન કેશવાલા, હેડ કોન્સ્ટેબલ ખોડુભા વિક્રમસિંહ, વલ્લભભાઇ ઝાપડીયા, પોલીસ કોન્સ્ટેબલ લખધીરસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ, ગીરીશ મકવાણા, અશોક ખુંટ, ઘનશ્યામસિંહ જાડેજા તથા પૃથ્વીસિંહ ઝાલા સહીતનો સ્ટાફ જોડાયો હતો.

પકડાયેલ ટોળકીએ અન્ય કોઇ જગ્યાએ આવી રીતે તોડ કર્યા છે કે કેમ? તે અંગે સઘન પુછતાછ હાથ ધરાઇ છે અને તમામને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.(૪.૧૭)

મુખ્ય સુત્રધાર નગર પીપળીયાના રમેશ રામાણીએ જ હની ટ્રેપ ની 'ટીપ' આપી'તી

ઇશ્વરીયાના ભાણેજ મનસુખની સુચનાથી  નિવૃત પીએસઆઇના પુત્ર  વિજયસિંહે ગર્લફ્રેન્ડ ફાલ્ગુનીનો સાથ લઇ  કારસો રચ્યો'તો

રાજકોટઃ લોધીકાના નગર પીપળીયા પાસે ડુપ્લીકેટ પોલીસ બની હની ટ્રેપ કરતી ગેંગનો મુખ્ય સુત્રધાર નગર પીપળીયાનો રમેશ રામાણી હોવાનું ખુલ્યું છે અને તેણે જ આ ટીપ તેના ભાણેજને આપી કારસો રચ્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નગર પીપળીયાના રમેશ રામાણીને ખબર હતી કે ગામમાં ગોરધનભાઇ તારપરાના ભત્રીજાની સગાઇ કરવાની છે અને ગોરધનભાઇની પુત્રીના પ તારીખે લગ્ન હોય સગાઇ કરવાના બહાને હની ટ્રેપની ટીપ ઇશ્વરીયા સ્થિત ભાણેજ મનસુખ લીંબાસીયાને આપી હતી. મનસુખે તેના મિત્ર નિવૃત પીએસઆઇના પુત્ર વિજયસિંહ મકવાણા (રજપુત)નો સંપર્ક કર્યો હતો. વિજયસિંહે તેની ગર્લફ્રેન્ડ ફાલ્ગુનીની મદદ લઇ હની ટ્રેપ ગોઠવી હતી અને તેના મિત્ર રણજીત ભરવાડ તથા જયપાલસિંહને નકલી પોલીસ બનાવી મોકલ્યા હતા.  આ ટોળકી હની ટ્રેપમાં સફળ થઇ પણ તોડની રોકડ રકમ હાથમાં આવે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધા હતા. (૪.૧૯)

(4:20 pm IST)