સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

ગીર સોમનાથ જિલ્લામાં ટીબીના નિદાન માટે સીબીનાટ લેબોરેટરીઃ બે કલાકમાં ટીબીનું નિદાન

ગીર-સોમનાથ તા. ૯ : આરોગ્ય વિભાગ દ્વારા વેરાવળ સ્થિત સરકારી હોસ્પિટલમાં રૂ. ૨૦ લાખનાં ખર્ચે ટીબી રોગનાં સચોટ નિદાન માટે વધુ એક સુવિધા આપવામાં આવી છે. જિલ્લા ક્ષય કેન્દ્રમાં અત્યાર સુધી કલચર એન.ડી.એસ.ટી. પધ્ધતિથી ટીબીનું નિદાન થતું જેમાં બે થી ચાર મહિના જેટલો વિલંબ થતો. સીબીનાટ લેબ કાર્યરત થતા તદન નિૅંશૂલ્ક માત્ર બે કલાકમાં ટીબીનું નિદાન શકય બનશે.

વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરત આચાર્ય, સ્ટેલા મેરી ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી કે.થોમસ, ક્ષય અધિકારી ડો.જીતેન્દ્ર બામરોટીયાની ઉપસ્થિતિમાં આ લેબોરેટરીનું લોકાર્પણ કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગીર-સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૧૭માં ૧૩૭૮૬ ટીબીનાં શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૧૯૩૭ દર્દીઓને ટીબી માલુમ પડતા સારવાર ચાલુ કરવામાં આવી છે. જિલ્લામાં ઝેરી ટીબીનાં ૨૯ દર્દી નોંધાયેલ છે. જેને ઘનીષ્ઠ સારવાર આપવામાં આવે છે. સ્ટેલા મેરી ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં ૫૪૨ ટીબીનાં દર્દીઓને એપ્રિલ-૧૬ થી પોષણયુકત ખાદ્ય કીટ  આપવામાં આવે છે.

ટીબીનાં દર્દીઓને રોગમુકિત માટે આ લેબ આર્શીવાદરૂપ થશે. આ લેબમાં પ્રસ્થાપિત જીન એકસપર્ટ મશીન ઓટોમેટેડ અને મોલેકયુલર બેઝ હોવાથી બે કલાકમાં  પરિણામ મળતા દર્દીનું ઝડપી નિદાન થતા ઝડપથી અસરકારક સારવાર આપી શકાશે.

ઉપરાંત ટીબી અને ઝેરી ટીબીનું અતિ ઝડપી પરિક્ષણ કરતા જીન એકસપર્ટ મશીનની આગવી વિશેષતા એ છે કે, સ્પુટમ માઇક્રોસ્કોપીથી ટીબીનાં જે જીવાણું શોધી શકાતા ન હોય તે પણ શોધી શકાશે. આ પ્રકારનો ટીબી ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં ઘણો ખર્ચાળ હોવાથી ગરીબ કે મધ્યમવર્ગીય દર્દીઓ કરાવી શકતા નથી જે સુવિધા સરકારી હોસ્પિટલ, જિલ્લા ક્ષય કેન્દ્ર વેરાવળ ખાતે નિઃશૂલ્ક ઉપલબ્ધ છે.

આ તકે ડો.ફીચડીયા, ડો.કણસાગરા, ડો.બારડ, ડો.હરીયાણી ડો.ચૈાધરી, સુપરવાઇઝર નાઘેરા સહિત આરોગ્ય સ્ટાફ સહભાગી થયા હતા.

તાતીવેલામાં તમાકુ નિયંત્રણ જાગૃતિ કાર્યક્રમ

ગીર સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાતીવેલા ગામે તમાકુ વિરોધી જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢ અંતર્ગત ચોકસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના વિધાર્થીઓને સાથે રાખીને ગામમાં તમાકુ વિરોધી ડ્રેસ કોડ, બેનર, શેરી નાટક, વ્યસનમુકત રેલી, પેમ્પલેટ વિતરણ તેમજ ગામના મુખ્ય સ્થળો પર તમાકુ વિરોધી સ્ટીકર લગાવામાં આવેલ હતા. તેમજ મેડીકલ કેમ્પનું પણ આયોજન કરી દર્દીઓની બી.પી., હિમોગ્લોબીન અને ડાયાબિટિસની તપાસ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મેડીકલ ઓફિસર શીતલબેન રામ, તમાકુ નિયંત્રણ સેલના સોશ્યલ વર્કર દિપ્તીબેન, ભાવસિંહ ડોડીયા, તાતીવેલા પ્રા.શાળા આચાર્યશ્રી રામ,, અને જિલ્લાના એન.સી.ડી.સેલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)