સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th February 2018

કાલે જલાબાપાનો ૧૩૭મો પુણ્યતિથિ મહોત્સવ... 'આસ્થા'નો પ્રકાશ પથરાશે

સૌરાષ્ટ્ર - ગુજરાતભરના મોટામાં મોટા શહેરથી માંડી નાનામાં નાના ગામડામાં ધર્મભીના કાર્યક્રમોની વણઝારઃ પૂજન - અર્ચન - મહાઆરતી - મહાપ્રસાદ અને જીવનચરિત્રનું રસપાન કરી ભાવિકો બાંધશે 'પુણ્ય'નું ભાથુઃ ૧૮ વર્ષથી એક પણ રૂપીયાનું દાન લીધા વગર ચાલતુ સદાવ્રત... કદાચ વિશ્વ વિક્રમ જ હશે : પૂજય જલાબાપાની પાંચમી પેઢીના કાર્યવાહકો સતત ખડેપગે... અન્નદાન એ જ મહાદાન

 

આવતીકાલે મહાવદ દશમને શનિવારે પરમ પુજય જલારામ બાપાની ૧૩૭મી પુણ્યતિથિ છે. બાપાની આ પૂણ્યતિથિ નિમિતે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

 

આવો આપણે આ વેળાએ પૂજય જલામાબાપાના જીવનચરિત્રનું સંક્ષિપ્તમાં રસપાન કરીયે તો...સૌરાષ્ટ્રના વીરપુરમાં લોહાણા કુટુંબમાં પ્રધાન ઠક્કર અને વાલજી ઠક્કરના નામે બે ભાઇઓ સાથે રહીને હાટડી માંડીને પરચુરણ વેપાર દ્વારા આજીવિકા મેળવતા હતા. સમય જતા બંને ભાઇઓ અલગ થયા અને પોત-પોતાના ધંધામાં પ્રવૃત થયા. પ્રધાન ઠક્કર સ્વભાવે અતિ સાત્વિક અને ધાર્મિક જીવ હતા. એમના ધર્મપત્નિ રાજબાઇ અત્યંત સુશીલ પતિપરાયણ અને પરગજુ સ્વભાવના ગૃહીણી હતા. વખત જતા એમને ત્યાં એક પુત્રનો પ્રસવ થયો બોઘાભાઇ નામથી એ ઓળખાયા...

એક વખતે પરમ પુજય રઘુવીરદાસજીના નેજા હેઠળ દસેક સાધુઓની મંડળી અયોધ્યાથી દ્વારકાધીશના દર્શનાર્થે દ્વારીકા જતી હતી વચ્ચે વીરપુર આવ્યુ મંડળી ચાલીને થાકી ગઇ હતી. આથી વીરપુરમાં જ આરામ કરવા વિચાર્યુ અને કોઇ રામરોટી આપે એવી ભુખ્યા સાધુઓ અપેક્ષા રાખતા હતા. સાધુ મંડળી બજારમાં ગઇ. અહી કોઇ રામરોટી આપશે અને દસેક સાધુઓને જમાડશે એવો કોઇ હરિનો લાલ મળશે ખરો...?

ઇર્ષાળુઓએ મંડળીને ભગત શ્રી પ્રધાન ઠક્કરને ત્યાં પહોંચાડી, પહોંચેલી સાધુ મંડળીએ પોકાર કર્યો. ભુખ્યા સાધુઓને રામરોટી જમાડો. ભગવાન તમારૂ ભલુ કરશે. ઘરમાંથી રાજબાઇ બહાર નીકળ્યા સાધુ-સંતોને આદરપુર્વક સન્માનિત કર્યા જલપાન કરાવ્યુ પ્રધાન ઠક્કર પણ આજ અવસરે ઘરે આવી પહોંચ્યા. સાધુઓને પ્રણામ કરી એમની આજ્ઞા પ્રમાણે અનુસરવા જણાવી ઘરમાં ગયા. ધર્મપરાયણ પતિ-પત્નિ તો અતિથિઓના પુનિત આગમનથી રાજીના રેડ થઇ ગયા. રાજબાઇ માતાએ ભાવથી રસોઇ સાધુ-સંતોને નમ્રભાવે આગ્રહ સાથે પ્રેમથી જમાડયા.

સબ સે ઉંચી પ્રેમ સગાઇ દુર્યોધનના મેવા અને મિષ્ટાન પરિહરિને ભગવાન શ્રીકૃષ્ણે વિદુરજીને ત્યાં ભાજી ખાધી હતી. સાધુ-સંતોને જમાડીને બંને પતિ-પત્નિ તેમના ચરણમાં નમી પડયા અને તેમણે તેમના દિકરા બોઘાને પણ સંતોના ચરણોમાં નમાવી આર્શીવાદની અભિલાષા વ્યકત કરી. સંતોએ બાળક સુખી રહેશે એવા આર્શીવાદ સાથે જણાવ્યુ કે હૈ મૈયા તારી કુખે હવે પછી જે બાળક અવતરશે તે તારી ગોદને ઉજાળશે એટલુ જ નહી સાત-સાત પેઢીને પણ તારશે. તારૂ કુળ પરમકિર્તીને પામશે અને દિગંતોમાં ગુણગાન ગવાશે. નાનકડુ વીરપુર પ્રસિધ્ધિને પામી વિખ્યાત બનશે. મૈયા તારૂ કલ્યાણ હો ના આર્શીવાદ સાથે આવી હતી તે રસ્તે મંડળી અદ્રશ્ય થઇ.

સાધુ-સંતો અને સિધ્ધ મહાત્માઓની વાણી સદૈવ ફળવંતી બને જ છે. વિક્રમ સવંત ૧૮પ૬ના કાર્તક સુદ સાતમના દિવસે અભિજિત નક્ષત્રમાં ભકત શ્રી જલારામ બાપાનો જન્મ થયો અને જલારામ પછી અવતરેલા પુત્રનું નામ એમણે દેવજી રાખ્યુ હતુ. ત્રણ બહેનો અને બે ભાઇઓ સહિત ત્રીજા જલારામનો ઉછેર ઘરના ભકિતમય વાતાવરણમાં થવા લાગ્યો.

પાંચેક વર્ષની ઉંમરના જલારામ હતા ત્યારે એક પ્રભાવી સંત તેમના આંગણે પધાર્યા. માતા રાજબાઇ અને પ્રધાન ઠક્કરે તેમને ભોજન માટે ખુબ કાલાવલા કર્યા પરંતુ સંતે તો ફકત વચેટ પુત્રના દર્શનની માંગણી કરી. વિચારમાં મગ્ન રાજબાઇ સંત સામે જ ઉભા હતા તેટલામાં રમતા-રમતા જલારામ ત્યાં જ આવી પહોંચ્યા અને સંતના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા.

મહાત્માએ બાળક જલારામને જોઇને પુછયુ કયા બચ્ચા મુજે પહચાનતા હૈ...? ત્યારે બાળક જલાએ સ્મિત સાથે ફરીથી સંતને દંડવત પ્રણામ કર્યા અને એ પછી ઘડીના છઠ્ઠા ભાગમાં ઘટના ભટી ગઇ તેની કોઇને ખબર ન પડી. મહાત્મા ત્યાંથી કયા અદ્રશ્ય થઇ ગયા તે કોઇ જાણી શકયુ નહી.

૧૪ વર્ષની ઉંમરે જલારામના યજ્ઞોપવિત સંસ્કાર પિતાએ કરાવ્યા. આ સમય દરમ્યાન એમણે ગામઠી નિશાળનું ભણતર ભણી લીધુ. ભણતર પુરૂ થયા પછી પિતાજીએ આટકોટના ઠક્કર પ્રાગજી સોમૈયાની દિકરી વીરબાઇ સાથે એમની સગાઇ કરી.

આ બાબતની જાણ થતા જલારામ ખુબ નિરાશ થયા અને પરણવાની નામરજી પિતાને જણાવી પણ કાકા અને પિતાની સમજાવટથી સગાઇને સ્વીકારી... જેવી મારા રામની મરજી કહી મન મનાવ્યુ અને સવંત ૧૮૭રના વર્ષમાં જલારામની જાન જોડાઇ અને વીરબાઇ જલારામના અર્ધાંગીની બન્યા. લગ્ન પછી સાધુ-સંતોને છુટા હાથે દાન આપવા બદલ પિતાએ જલારામને ઠપકાર્યા અને જુદા મુકી દીધા. આ પછી પોતાને પુત્ર સમાન માનતા વાલજી કાકાની દુકાનમાં થોડો સમય નોકરી કરતા રહ્યા.

પરંતુ એક દિવસ પ્રભુ કૃપાનો અનુભવ થઇ જતા કાકાની દુકાનની નોકરી છોડી દીધી અને સેવા પરાયણ જીવન જીવવાનો દ્રઢ નિશ્ચય કરી માતા-પિતા અને કાકાની આજ્ઞાન લઇ સતર વર્ષની ઉંમરે યાત્રાએ નીકળી પડયા. આ દરમ્યાન યાત્રા પછી માત્ર ૧૯ વર્ષની વયે જલારામે અવધુતો નાયે અવધુત એવા સમર્થ ગુરૂ ભોજલરામ ભકત જે અમરેલી પાસેના ફતેપુરા ગામમાં રહેતા હતા તેમની પાસે જઇ કંઠી બંધાવી.

થોડા સમય બાદ ગુરૂ ભોજલરામના આર્શીવાદ મેળવી વીરબાઇ માતાને આટકોટથી વીરપુર તેળાવી પિતા તથા કાકાથી અલગ થઇ આશ્રમ બાંધી જીવનભર સદાવત ચલાવનો પ્રસ્તાવ વીરબાઇ માતા સમક્ષ મુકયો અને એક પળાનો એ વિચાર કર્યો વગર આ પ્રસ્તાવને વીરબાઇ માતાએ સ્વીકારી આજીવન સહકાર આપ્યો.

સદાવ્રત શરૂ થયા પછી અનેક મુશ્કેલીઓ અનેક અડચણો આવી, ભગવાને પણ અનેક કસોટીઓ કરી પરંતુ જલારામ કસોટીઓને પાર કરતા ગયા... ચોમેરે સુવાસ પ્રસરવા લાગી.

સંતોની સેવા કરતા કરતા સંવત ૧૯પ૩ ના કારતક વદ નોમના દિને વીરબાઇ માતા સ્વર્ગવાસ થયા. ત્યારબાદ આપણા જલાબાપા એકલા પડયા અને ઘીરેઘીરે બાપાનું શરીર બિમારીઓથી ઘેરાવા લાગ્યુઉ દૈવી ઇચ્છા અનુસાર મહાવદી દશમને બુધવારે ભજન કરતાં કરતાં શ્રી જલાબાપા દેહ ત્યજી પ્રભુ પદ ને પામ્યા.

આવતીકાલે મહાવદ દશમ શનિવાર વિક્રમ સવંત ર૦૭૪ના રોજ પરમ પુજય જલારામ બાપાની ૧૩૭ મી પુણ્યતિથિ છે આ વેળાએ બાપાને કોટી કોટી વંદન.

જય જલ્યાણ.. કરે સૌનું કલ્યાણ

વીરપુરમાં બે સદીથી અવિરત ચાલતુ સદાવ્રત

સૌરાષ્ટ્રના ખોબા જેવડા વિરપુરમાં પૂજય જલાબાપાએ શરૂ કરેલ સદાવત આશરે બે સદીથી અવિરત ચાલી રહયું છે. તેમાં પણ છેલ્લા ૧૮ વર્ષથી તો આ સદાવત એક પણ રૂપીયા દાન લીધા વગર ધમધમી રહયું છે. જે કદાચ વર્લ્ડ રેકોર્ડ જ હશે.

પૂજય જલાબાપાના પાંચમી પેઢીના કાર્યવાહકોએ ૯ મી ફેબ્રુઆરી ર૦૦૦ના રોજ મંદિરમાં રોકડ દાન નહી લેવુ એ નિર્ણય કર્યો અને ત્યારથી આ નિર્ણય જાણે નિયમ બની ગયો એ વાતને આવતીકાલે ૧૮ વર્ષ પુર્ણ થઇ રહયા છે આમ છતા આજે પણ સદાવતો ચાલતો અનેરો ધમધમાટ જ પૂજય જલા બાપાનો મહિમા દર્શવે છે. આવો આપણે જલાબાપાએ શરૂ કરેલ આ સદાવ્રતને નજીકથી જોઇએ.

ભગવાન શ્રી જલારામે ગુરૂશ્રી ભોજલરામજીના આશીર્વાદ મેળવી વીરબાઇ માતાની સંમતી લઇ વિક્રમ સવંત ૧૮૭૬ ના મહાસુદ બીજના રોજ ભગવાન ભરોસે વીરપુરમાં પોતાના અલ્હમમાં સદાવ્રત ચાલુ કરી શરૂ કરી જનસેવાની સાધના.

પરંતુ સદાવ્રત ચાલુક રવાનું કાઇ સહેલુ ન હતુ અનેક મુશ્કેલીઓ આવી અડચણો આવી પરંતુ જલાબાપાને ઇશ્વર ઉપર એક અનેરો વિશ્વાસ હતો કે પ્રભુ મારૂ ગાડુ નહી અટકવા દે.

કહેવાય છે કે એક પ્રભાવશાળી સંત જલારામ બાપાને લાલજી (શ્રીકૃષ્ણ) મહારાજની મુર્તિ સેવામાં આપી ગયા. એટલું જ નહી એમના અલ્હમમાાંથી જ હનુમાનજીની મુર્તિ મળી આવશે એવા આશીર્વાદ આપ્યા અને ખરેખર સંતની વાણી અનુસાર અલ્હમમમાંથી હનુમાનજીની મુર્તિ મળી આવતા જલારામે બંને મૂર્તિની નિષ્ઠાપૂર્વક સેવા કરી સાધુસંતોને અન્નદાન સાથે પ્રભુભકિતમાં લીન રહેવા લાગ્યા.

પરંતુ આ કાંઇ રાજાનો ભંડાર ન હતો. થોડા જ સમયમાં મહેનત મજુરી કરી મેળવેલું અનાજ વપરાઇ જતા ચિંતા ઉભી થતા વીરબાઇ માતાએ પોતાના તમામ ધરેણા વેચવા માટે આપી દઇ સદાવત ચાલુ રાખવાના નિર્ણયને ટેકો આપતા જલારામે પત્નીને ઘરેણા વેચી વેચીને પણ સદાવ્રત ચાલુ રાખ્યું.

કહેવાય છે ને સત્યની પણ કસોટી થાય છે. ભગવાને કરી જલાબાપાની પરીક્ષા સેવા માટે વીરભાઇ માતાની માંગ કરી જલારામે પત્નીના આપ્યા દાન. ભગવાનને પણ ભાગવું પણ ભારે થઇ પડયું. ઝોળી અને ધોકો આશ્રમમાં રાખી શરૂ થયું પૂજન.

આમ અનેક મુશ્કેલીઓ, અડચણી અને પ્રભુની પરીક્ષા પાસ કરી ડગ્યા વિના સદાવ્રત અવિરતપણે આગળ ધપાવતા જ ગયા.

વીરપુરમાં ધમધમતું આ સદાવ્રતમાં બાપાના આર્શીવાદ સાથે પૂ. જલાબાપાના પરિાવરના મોભી શ્રી જયસુરામ બાપા ચાંદરાણી તથા તેમના જયેષ્ઠ પુત્ર અને જલાબાપાની જગ્યાના ગાદીપતિ શ્રી રઘુરામ બાપા ચાંદરાણી તેમના નાનાભાઇ ભરતભાઇ ચાંદરાણી, રસિકબાપા ચાંદરાણી તથા સમસ્ત પરિવારના સદસ્યો અને શ્રી જયસુખરામબાપાના કુટુંબીજનોનો ફાળો પણ એટલો જ નોંધનીય છે.

વર્ષોથી આ સમસ્ત પરિવાર સદાવ્રતમાં સત ખડેપગે છે. પુ. બાપાના આ કુટુંબીજનોની જાત દેખરેખ હેઠળ સદાવ્રત ધમધમી રહ્યું છે અને તેમની સાથે છે અનેક સ્વયંસેવકો.  માત્ર ભગવાન ભરોસે શરૂ કરેલ સદાવ્રત આશરે છેલ્લા ૧૯૮ વર્ષથી અવિરતપણે ધમધમી રહયું છે.

ભુખ્યાને રોટલો, તો હરી આવે ઢુકડો.

 સંકલન

જીતેન્દ્ર રૂપારેલીયા

વાપી

(10:38 am IST)