સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

મોરબી: સ્થાનિક સ્વરાજની સંસ્થામાં રબારી સમાજને ઓબીસી અનામત આપવા રજુઆત.

નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરી અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સમર્પિત આયોગને અધિક કલેકટર મારફતે રજુઆત

 મોરબી :સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજ હેઠળ આવતા રબારી સમાજને અનામતનો લાભ આપવા નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરી અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સમર્પિત આયોગને અધિક કલેકટર મારફતે સામાજિક આગેવાન દ્વારા રજુઆત કરવામાં આવી છે.

મોરબીના સામાજિક આગેવાન રમેશભાઈ રબારીએ નિવૃત્ત ન્યાયમૂર્તિથી કે.એસ, ઝવેરીના પંચ સમક્ષ રજુઆત કરતા જણાવ્યું છે કે, હાલની તારીખે પણ રબારી સમાજ રખડતુ અને ભટકતુ જીવન પશુપાલન સાથે ગુજારે છે. રબારી સમાજ મોરબી જિલ્લામાં આશરે ૩૦,૦૦૦ થી પણ વધુ મતદારો ધરાવે છે. અને આ સમાજ ઓબીસીમાં પણ સમાવેશ કરવામાં આવેલ છે.
મુખ્યત્વે સમાજના લોકોનો વ્યવસાય આજની તારીખે પણ ઘેટા, બકરા અને પશુપાલન તેમજ પશુ ચરાવવાનો છે. આ સમાજમાં શિક્ષજ્ઞનું પ્રમાણ ખૂબ જ નહિવત છે, જિલ્લામાં ધોરણ ૧૦ પાસ સમાજના લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. તેમજ સ્નાતક નહિવત જ છે. કન્યા શિક્ષણ નહિવત છે, શિક્ષણના અભાવે જાગૃતિનો ખૂબ જ અભાવ છે. આ સમાજમાં મોટા ભાગના લોકો પાસે જીવન નિર્વાહ માટે ખેતીની જમીન ખૂબ જ ઓછા લોકો પાસે છે, જયારે મોટા ભાગના લોકો ભૂમિ વિહીન સ્થિતિમાં અન્ય કામ કે મજુરી કરી જીવન ગુજારે છે.

રબારી સમાજમાં વ્યવસાયિક તેમજ અન્ય કામ કરતા લોકો ખૂબ જ ઓછા છે. તેમજ આજની ૨૧ મી સદીમાં પણ મોટાભાગના લોકો રહેણાંક માટે પાકા મકાનો ધરાવતા નથી. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પ્રતિનિધિત્વ મુખ્યત્વે ગુજરાત રાજયમાં દરેક સ્તરે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આવેલી છે, જેમાં આજની તારીખે મોરબી જિલ્લામાં નહીવત પ્રતિનિધિત્વ ધરાવે છે.

આમ સમગ્ર જિલ્લામાં વસતીના પ્રમાણમાં સંસ્થાઓમાં પુરતુ રાજકીય પ્રતિનિધિત્વ ધરાવતા નથી તેમજ આજની તારીખે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં સમાજના લોકોને રાજકીય રીતે પ્રતિનિધિત્વ કરવા માટેની પુરતી તક મળેલ નથી. સમગ્ર જિલ્લામાં વધુ વસતી હોવા છતાં પણ રાજકીય રીતે પુરતુ અને પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી. તેમજ વધુ ભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરતા હોવાથી હાલની તારીખે પણ સમાજ ઉપેક્ષિત સ્થિતિમાં જીવન ગુજારે છે. તો તેમના બંધારણીય અને કાયદાકીય અધિકાર માટે યોગ્ય રાજકીય અનામત માટે રજુઆત છે. તેમજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સમાજની રાજકીય ક્ષેત્રે કોઈ અન્યાય નથાય તેવી માંગણી ઉઠાવવામાં આવી છે.

(12:12 am IST)