સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 9th August 2021

ગીર મધ્યે મીની કેદારનાથ સમાન પાતાળેશ્વર મહાદેવ મંદિર યાત્રાળુઓ માટે એક મહિનો ખુલ્લુ રહેશે

(નવીન જોષી, નિરવ ગઢીયા દ્વારા) ઉના, તા. ૯ :. ગીર મધ્યમાં બીરાજતા મીની કેદારનાથ સમાન પાતાળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના ૩૦ દિવસ યાત્રાળુ માટે કાલથી દર્શન માટે ખુલ્લુ રહેશે.

ઉનાથી ૨૫ કિલોમીટર બાબરીયા ગીર મધ્યમાં ચેકપોસ્ટથી ૭ કિ.મી. ગીર પૂર્વ વન વિભાગ બાબરીયા રેન્જમાં ગીર મધ્યમાં સેંકડો વરસો જુનુ પાતાળેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે. જેમાં વરસમા બે વખત ૭ દિવસ મહાશિવરાત્રી નિમિતે તથા શ્રાવણ માસના ૩૦ દિવસ બાબરીયા વન વિભાગની કચેરી દ્વારા વિનામૂલ્યે સવારથી સાંજ પરમીટ કાઢી આપવામાં આવશે.

યાત્રાળુઓએ સરકારની કોવીડ ગાઈડલાઈન મુજબ સામાજીક અંતર રાખી, માસ્ક પહેરી પૂજા-અર્ચના કરવા આરએફઓશ્રી બાંભણીયાએ જણાવેલ છે. તેમજ બાબરીયા ગીર ગામમાં આવેલ પાતાળેશ્વર મહાદેવના આશ્રમે શ્રાવણ માસ દરમ્યાન સવાર-સાંજ ચા-દૂધ તથા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ પાતાળેશ્વર મહાદેવના મહંતશ્રીએ યાદીમાં જણાવેલ છે.

(11:29 am IST)