સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

કચ્‍છમાં નદીના વહેણમાં કાર સાથે ફસાયેલા બે જણને બચાવ્‍યા

ભુજઃ કચ્‍છમાં વરસાદના લીધે નલિયા નજીક તેરા અને નેત્રા રોડ વચ્‍ચે આવેલી લાખણીયા નદી બંને કાંઠે વહેતી હતી. વહેતી નદીના વહેણ માં ગાડી સાથે બહાર નીકળવાનો પ્રયાસ અંદર બેઠેલા બે જણા ને ભારે પડ્‍યો હતો. આ અંગે જિલ્લા વહીવટીતંત્રને શનિવારના રોજ બે લોકો ગાડી સાથે લાખણીયા નદીના વહેણમાં ફસાયા હોવાની રજૂઆત મળી હતી. જેને પગલે પ્રાંત અધિકારી શ્રી જેતાવતે તાત્‍કાલિક સૂચના આપીને બચાવ માટે પોલીસ અને મરીન કમાન્‍ડોની ટીમને સ્‍થળ પર રવાના કરી હતી. પાણીના વહેણનું જોર વધારે હોવાથી ભારે જહેમત બાદ ગામ લોકો, પોલીસ અને મરીન કમાન્‍ડોના સંયુક્‍ત પ્રયાસોથી બંને લોકોને બચાવી લેવાયા હતા.આ રેસ્‍કયૂ વિશે પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવતે જણાવ્‍યું હતું કે, ઘટનાની જાણ થતા જ પોલીસ, મામલતદાર અને મરીન કમાન્‍ડોની ટીમને સૂચના આપીને તરત જ ટીમ સ્‍થળ પર રવાના કરવામાં આવી હતી. પાણીનું તાણ વધારે હોવાથી મરીન કમાન્‍ડો સિવાય બેકઅપ તરીકે એનડીઆરએફ તેમજ બીએસએફની ટીમને પણ રવાના કરાઈ હતી. જોકે, મરીન કમાન્‍ડો, ગામ લોકો અને પોલીસના સંયુક્‍ત પ્રયાસોથી આ બંને લોકોને સલામત રીતે બચાવી લેવાયા હતા. 

(11:50 am IST)