સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

કચ્છ જિલ્લામાં ૬ ઓગસ્ટ સુધીમાં કુલ ૩,૩૮,૯૩૭ પશુઓનું રસીકરણ કરાયું

જિલ્લામાં કુલ ૨૭ આઈસોલેશન સેન્ટર ખાતે અસરગ્રસ્ત પશુઓને સારવાર અપાઈ રહી છે:લમ્પી વાઈરસના નિયંત્રણને લઈને યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી ચાલુ

ભુજ :કચ્છ જિલ્લામાં ગાય સંવર્ગના પશુઓમાં પ્રવર્તી રહેલા લમ્પી ચર્મ રોગ વાયરસના નિયંત્રણ માટે વહીવટીતંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ૬ ઓગસ્ટ સુધીમાં સ્વસ્થ હોય એવા કુલ ૩,૩૮,૯૩૭ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે. રસીકરણ, આઈસોલેશન અને સારવાર પર ભાર મૂકીને વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરાઈ રહી છે. જિલ્લામાં કુલ ૨૭ આઈસોલેશન કેન્દ્ર ખાતે પશુઓને સારવાર મળી રહે એવી વ્યવસ્થા કરાઈ છે. આઈસોલેશન કેન્દ્રમાં સારવાર લઈ રહેલા પશુઓની સંખ્યા ૮૨૭ જેટલી છે. કુલ ૫૭,૭૦૫ પશુઓને સારવાર આપવામાં આવી છે.

કચ્છ જિલ્લાના ૧૦ તાલુકામાં કુલ ૩૮,૭૫૪ અસરગ્રસ્ત પશુઓની સંખ્યા ૬ ઓગસ્ટ સુધીમાં નોંધાઈ છે. સ્વસ્થ પશુઓમાં લમ્પી વાઈરસ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવા માટે પશુપાલકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં રસીકરણ માટે ઉપલબ્ધ ડોઝની સંખ્યા ૬ ઓગસ્ટની સ્થિતિએ ૧,૩૧,૩૮૧ છે. આમ કચ્છ જિલ્લામાં પશુઓને આપવામાં આવી રહેલી રસીને લઈને કોઈ જ ઘટ નથી.

કચ્છમાં આવેલી રજિસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળની સંખ્યા ૧૭૮ છે. આ ગૌશાળા-પાંજરાપોળમાં કુલ ૧,૨૪,૮૧૫ પશુધન આવેલું છે. ગૌશાળા-પાંજરાપોળમાં અસરગ્રસ્ત હોય એવા કુલ ૪૩૫૯ પશુઓની સારવાર કરવામાં આવી છે તેમજ ૬૧,૧૨૩ પશુઓનું રસીકરણ કરાયું છે. ૬ ઓગસ્ટની સ્થિતિએ લમ્પી વાઈરસના લીધે કચ્છ જિલ્લામાં ૧,૫૮૨ પશુઓનું મૃત્યુ થયું છે.

 

 

 

(10:37 pm IST)