સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th February 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૭ દિવ્યાંગોને રૂ. ૮.૫૦ લાખની લગ્ન સહાય ચૂકવાઈ

દિવ્યાંગોના સામાજિક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ સમાજ સુરક્ષા વિભાગ દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા:દરેક વર્ગના લોકોના ઉત્કર્ષ માટે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક નાગરિકોને સરળતાથી મળે તેવી અમલવારી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દિવ્યાંગોના કલ્યાણ માટે કાર્યરત છે.

દિવ્યાંગો માટે બસપાસ, પેન્શન, સાધન સહાય વગેરે યોજનાઓની અમલવારી કરે છે. આ ઉપરાંત દિવ્યાંગો લગ્ન કરી સ્વમાનભેર જીવી શકે અને આર્થિક મદદ મળી શકે તેવી સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલી છે. આ યોજના હેઠળ દિવ્યાંગોને લગ્ન કરવા માટે  રાજ્ય સરકાર પ્રોત્સાહનરૂપે રૂપિયા ૧ લાખની સહાય ચૂકવવામાં આવે છે. પતિ-પત્ની  બંને દિવ્યાંગ હોય તો તેમને રૂપિયા ૫૦-૫૦ હજાર એમ ૧ લાખની સહાય તુરંત ચૂકવવામાં આવે છે. જો પતિ- પત્નિ બંનેમાથી કોઈ એક દિવ્યાંગ હોય તો રૂપિયા ૫૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે.

યોજના હેઠળ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં  ૧૭ દિવ્યાંગોને ૮,૫૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી છે. આ સહાય મળતા દિવ્યાંગોને સમાજમાં વ્યક્તિગત જીવન ખૂબ સરળ બન્યું છે.

(10:55 pm IST)