સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th February 2023

"હર દિન હર ઘર આયુર્વેદ" અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે “આયુષ મેળો” યોજાશે

મેળા અંતર્ગત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુષ પદ્ધતિથી નિદાન તથા સારવાર કરાશે: આયુષ કેમ્પની વિવિધ સેવાઓનો લાભ લેવા માટે નાગરિકોને અપીલ

સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગર જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત કચેરી, સુરેન્દ્રનગર અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સુરેન્દ્રનગર આયુષ પ્રભાગ દ્વારા રોટરી કલબ ઓફ સુરેન્દ્રનગરના સહયોગથી "હર દિન હર ઘર આયુર્વેદ" અભિયાન અંતર્ગત તા.૧૧/૦૨/૨૦૨૩ને શનિવારે સવારે ૯:૩૦ થી ૦૪:૩૦ કલાક સુધી સંસ્કાર કોમ્યુનિટી હોલ, સંસ્કાર સોસાયટી, જીનતાન રોડ, સુરેન્દ્રનગર ખાતે “આયુષ મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી ના વરદ હસ્તે આ આયુષ મેળાનો શુભારંભ કરાવાશે.

આ મેળા અંતર્ગત આયુષના મૂળભૂત સિદ્ધાંતો જેમકે દિનચર્યા, ઋતુચર્યા, રસોડા/આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજ આપતુ પ્રદર્શન, નિષ્ણાંત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુષ પદ્ધતિથી નિદાન તથા સારવાર, આયુર્વેદની વિશિષ્ટતા એવી અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા પેઇન મેનેજમેન્ટ (કમર, ઘુંટણ જેવા દરેક પ્રકારના સાંધાના દુખાવાની અગ્નિકર્મથી સારવાર), ક્ષારસૂત્ર દ્વારા હરસ મસા ભગંદરની સારવાર, પ્રકૃતિ પરિક્ષણ દ્વારા પ્રકૃતિ નક્કી કરી તે મુજબનાં આહાર વિહારનું માર્ગદર્શન, વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન, બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા-સુવર્ણ પ્રાશન (૦ થી ૧૨ વર્ષના બાળકોને), તંદુરસ્ત માતૃબાળ માટે ગર્ભ સંસ્કાર બાબતે માર્ગદર્શન, સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે યોગ નિદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત વૃદ્ધજનો માટે તંદુરસ્ત દાદા - દાદી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવશે. આયુષ વિભાગ દ્વારા આયુષ મેળા અંતર્ગત આયુષ કેમ્પની વિવિધ સેવાઓનો લાભ લેવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

(10:47 pm IST)