સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th February 2023

ખંભાળિયામાં રેન્‍જ આઈ.જી. દ્વારા જિલ્લાના અગ્રણીઓ સાથે ખાસ મુલાકાત

વાર્ષિક ઇન્‍સ્‍પેકશન સાથે વ્‍યાજખોરી સામે કડક પગલાં

 જામ ખંભાળિયા, તા. ૭ :  રાજકોટ એકમના રેન્‍જ આઈ.જી. અશોકકુમાર યાદવનું  ખંભાળિયા ખાતે આગમન થયું હતું. વાર્ષિક ઈન્‍સ્‍પેક્‍શન સાથે જિલ્લાના અગ્રણીઓની ખાસ મુલાકાત ઉપરાંત જિલ્લામાં વ્‍યાજ ખોરી અંગે લોકોને મળી અને આ અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ દ્વારા આજરોજ બપોરે અહીંની જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આગેવાનો, પત્રકારો સાથેની ખાસ મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વેપારીઓ તેમજ સ્‍થાનિક રહેશો દ્વારા તેમની સમક્ષ વિવિધ મુદ્દાઓ તેમજ પ્રશ્‍નો રજૂ કરવામાં આવ્‍યા હતા. જે અંગેની તપાસ તથા કડક કાર્યવાહીની ખાતરી તેમના દ્વારા આપવામાં આવી હતી.

 આ ઉપરાંત જિલ્લા સાથે સમગ્ર રાજ્‍યમાં વ્‍યાજખોરો સામેની ચાલી રહેલી મુહિમમાં લોકો નિર્ભક પણે સ્‍થાનિક પોલીસનો સંપર્ક કરે જેથી આવા વ્‍યાજખોરો સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. તેવી ખાતરી આપવામાં આવી હતી. આટલું જ નહીં, પોલીસ દ્વારા ખંભાળિયામાં લોન મેળો યોજાનાર હોય, તેમાં પણ જરૂરિયાતમંદ લોકોએ ઉપસ્‍થિત રહી, લાભ લેવા તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી.

 રાજકોટ રેન્‍જ વિસ્‍તારમાં આવતા પાંચ જિલ્લાઓમાં વ્‍યાજખોરી અંગે કુલ ૧૧૨ જેટલા કેસો નોંધાયા છે અને ૧૮૮ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. આટલું જ નહીં, વ્‍યાજ ખોરોની અંગે કુલ ૬૫૦ થી વધુ લોક દરબાર યોજવામાં આવ્‍યા છે. સાથે સાથે લોકોને

રાહત દરે લોન મળી રહે તે માટે લોન મેળા પણ યોજવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પોલીસ દ્વારા વધુ લોક દરબાર તથા લોન મેળા પણ યોજવામાં આવશે તેવી માહિતી રેન્‍જ આઈ.જી. દ્વારા આપવામાં આવી હતી.

  ૩૧ માર્ચ સુધી દરિયાકાંઠાના વિસ્‍તારોમા ઝુંબેશ -

દરિયા કિનારે આવેલા સૌરાષ્‍ટ્રના ત્રણ જિલ્લાઓ કે જે રાજકોટ રેન્‍જની હેઠળ છે, અહીં પોલીસ તંત્ર દ્વારા આગામી તારીખ ૩૧ માર્ચ સુધી ખાસ ઝુંબેશ યોજવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ દ્વારા દરિયાકાંઠાના વિસ્‍તારોના લોકોને મળી અને સુરક્ષા વ્‍યવસ્‍થા અંગેની ચર્ચાઓ ઉપરાંત આ વિસ્‍તારમાં ડ્રગ્‍સ, હથિયાર ડુપ્‍લીકેટ ચલણી નોટો વિગેરે સામે સાવચેત રહેવા અને લોકોની જાગળતિ અંગે ખાસ ઝુંબેશ હાથ ધરાનાર હોવાનું રેન્‍જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા વધુમાં જણાવ્‍યું હતું.

(1:40 pm IST)