સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th October 2022

ખંભાળિયા રાજપુત સમાજ દ્વારા શસ્ત્રપુજન રેલી તલવારબાજી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૬ : રાજપુત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પુજન તથા રેલીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય પંથકમાંથી રાજપુતો ઉમટી પડયા હતા.

ખંભાળિયામાં બેઠક રોડ પર રાજપુત સમાજની વાડીએથી વિશાળ રેલી બાઇક તથા વાહનોમાં નીકળી હતી તથા નગર ગેઇટ તથા ચાર રસ્તા બે સ્થળે તલવારબાજીના દાવનું પ્રદર્શન થયુ હતુ. જે રાજપુત સમાજના પ્રમુખ ચંદ્રસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયુ હતુ. જે પછી જય માતાજીના નારા સાથેની આ રેલી ખામનાથ પાસે આશાપુરા માતાજીના મંદિરે પહોંચી હતી. જયાં શસ્ત્રપુજન થયુ હતુ.

રાજપુત યુવાનો તથા આગેવાનો રાજપુત પરંપરાગત સાફા અને તલવાર હથિયાર સાથે સજજ થઇને નીકળતા ઠેર ઠેર તેમનું સ્વાગત પુષ્પવૃષ્ટિથી કરવામાં આવ્યુ હતુ.

આશાપુરા માતાજીના મંદિર પાસે મહંત દ્વારા શસ્ત્રપુજનનો કાર્યક્રમ થયો હતો. જેમાં પુર્વ રાજયમંત્રીશ્રી જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પીઢ આગેવાનો ભીખુભા ગોપાલજી જાડેજા, નાથુભા ગોવુભા જાડેજા, તા.પં. ઉપપ્રમુખ વીરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા, ભાવસિંહ ગુલાબસિંહ જાડેજા, રવિરાજસિંહ મનુભા જાડેજા, કિશોરસિંહ રામસંગજી જાડેજા તથા રાજપુત સમાજના પ્રમુખ ચંદ્રસિંહ જાડેજા તથા તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી તથા શાસ્ત્રોકત રીતે શસ્ત્રપુજન કર્યુ હતુ.

(12:00 pm IST)