સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th October 2022

લીંબડીના પરાલી ગામે નેવૈધ બાબતે પઢાર જ્ઞાતિના બે જુથો બાખડી પડયા

વઢવાણ,તા. ૭ : લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્‍તારના પરાલી ગામે માતાજીની સગડીના ગરબામા થયેલી બોલાચાલી સંદર્ભે પઢાર જ્ઞાતિના બે જુથો સામસામે આવી ગયા હતા. માતાજીના નૈવેદ્ય બાબતે થયેલી માથાકુટની વાત વણસતા બંને જુથો સામસામે આવી ગયા હતા. ઉશ્‍કેરાયેલા લોકોએ સામસામે ધારીયા, સોરીયા હથિયારો સાથે ધસી આવ્‍યા હતા અને સામસામે તુટી પડયા હતા. તેમાં બંને જુથોના ૧૭ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્‍તોને ૧૦૮ અને ખાનગી સાધનો દ્વારા લીંબડી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. પરાલી ગામે પઢાર જ્ઞાતિના બે પરિવાર વચ્‍ચે જુથ અથડામણ બાદ ગામમાં વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ થતાં પાણશીણા પોલીસ ટીમ સાથે પરાલી ગામે દોડી આવ્‍યા હતા અને બંદોબસ્‍ત ગોઠવી દીધો હતો. ઈજાગ્રસ્‍તોને લીંબડી સિવિલ હોસ્‍પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી હતી. જે પૈકી ત્રણને વધુ સારવાર માટે સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

પરાલી ગામે બે જૂથ વચ્‍ચેના દંગલમાં એક દિવ્‍યાંગ યુવાને પણ કેટલાક લોકોએ નિશાન બનાવ્‍યો હતો. આ ઉપરાંત એક સગર્ભા મહિલાને પણ પેટમાં પાટુ માર્યુ હતું.

લીંબડી તાલુકાના પરાલી ગામે પરંપરાગત માતાજીના ધાર્મિક ઉત્‍સવમા ગરબા રમતા એક જ પરિવારનાના સભ્‍યો વચ્‍ચે લોહિયાળ અથડામણ સર્જાઇ હતી. જોત જોતામાં મારામારી થઈ હતી અને જીવલેણ હથિયારોનો છૂટથી ઉપયોગ થતાં ૧૦ જેટલા લોકો ઘાયલ થઈ ગયા હતા. ચિંતાજનક વાત એ છે કે અંગત અદાવતમાં એક જ સમાજના લોકો સસમ સામે આવી જતાં મહિલોઓ પણ હુમલાનો ભોગ બની છે. ઈજાગ્રસ્‍તોને ૧૦૮ તેમજ પોલીસ વાન અને પ્રાઈવેટ વાહનોમા લીંબડી હોસ્‍પિટલ ખસેડાયા હતા. અન્‍ય લોકોને વધુ ઈજા પહોંચી હોવાથી સુરેન્‍દ્રનગર હોસ્‍પિટલ ખાતે રીફર કરવામાં આવ્‍યા છે

ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસ સ્‍થળ પર દોડી આવી હતી અને મારામારી બાબતે વધુ તપાસ હાથ ધરી છે. જુથ અથડામણમાં બન્ને પક્ષે લોકો ઈજાગ્રસ્‍ત બન્‍યા છે. પ્રાથમિક માહિતી મુજબ સામસામે ફરિયાદ પણ થઈ છે.

(11:36 am IST)