સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

કચ્છના મુન્દ્રામાં પત્નીના ઓપરેશન માટેના પૈસા તસ્કરો ચોરી ગયા અને મકાનમાં આગ ચાંપી: શરૂઆતમાં ૧૦ થી ૧૫ લાખની ચોરીની ચર્ચા વચ્ચે અંતે દોઢથી પોણા બે લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ:::: મુન્દ્રામાં બારોઈ રોડ ઉપર આવેલ છેવાડાના વિસ્તાર ખેતરપાળ સોસાયટીમાં થયેલ ચોરીના બનાવ સાથે તસ્કરોએ ઘરમાં આગ ચાંપી ગુનાહિત કૃત્ય કરતાં ચકચાર મચી ગઇ છે. જેમના ઘેર ચોરી થઈ છે એ  એમ. સુધીરકુમાર મુન્દ્રામાં છેલ્લા ૮ વર્ષથી ખાનગી શિપિંગ કંપનીમાં નોકરી કરે છે અને પરિવાર સહિત રહે છે. ચોરીના બનાવ બાદ મુન્દ્રા માં સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં એમ. સુધીરકુમારે કહ્યું હતું કે, તેમના પત્નીની સારવાર અર્થે તેઓ ગાંધીધામ હતા અને મકાનનો ખ્યાલ રાખવાનું તેમના સાળા ને કહ્યું હતું. ચોરીના બનાવનો ખ્યાલ તેમના સાળા ઘેર આવ્યા ત્યારે આવ્યો હતો. તસ્કરો તાળા તોડી ચોરી કર્યા બાદ ઘરમાં આગ લગાડી હતી. જે સદ્દનસીબે વધી નહી એટલે ગેસની બોટલ ફાટવા જેવી દુર્ઘટના ટળી અહી નજીકમાં જ ૨૦ જેટલા મકાન પણ આવેલા છે. શરૂઆતમાં મકાન માલિક એમ. સુધીરકુમારે પોતે પત્નીની સારવાર માટે રાખેલ રોકડ અને જ્વેલરી સહિત મોટી રકમની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, મોટી રકમની ચોરીની ચર્ચા અને અવઢવના અંતે સત્તાવાર રીતે એમ. સુધીરકુમારે મુન્દ્રા પોલીસમાં ૫૦ હજાર રોકડ અને ત્રણ તોલા સોનું એમ અંદાજે દોઢ થી પોણા ને લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું જણાવી આ અંગે પોલીસ ફરિયાદ લખાવી છે. ચોરીના બનાવે મુન્દ્રા પંથકમાં ચકચાર સર્જી છે.

(12:38 pm IST)