સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 6th February 2023

ઘુડખર અભ્‍યારણમાં ગેરકાયદે બોર ગાળવા મુદ્દે માથાકૂટ : ફોરેસ્‍ટર ઓફિસર દ્વારા ફાયરીંગ

ચાર ફોરેસ્‍ટની ટીમોએ અટકાવતા મામલો બીચક્‍યો : ત્રણ શખ્‍સોને સાઇડા, બાઇક, ત્રણ ટ્રેકટર, એક ટ્રોલી, ટેન્‍કર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૬ : હળવદ તા.  હળવદ અને આડેસર અભ્‍યારણ રેન્‍જ વચ્‍ચે ગેરકાયદે બોર ગાળવા મુદ્દે ત્રણ શખ્‍સો અને ફોરેસ્‍ટની ટિમો વચ્‍ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. જેમાં આ અભયારણ્‍ય રેન્‍જમાં ગેરકાયદે બોર ગાળતા ત્રણ શખ્‍સોને ફોરેસ્‍ટની ટિમોએ અટકાવતા મામલો બીચકયો હતો. આ ત્રણ શખ્‍સો હુમલો કરે તે પહેલાં જ સ્‍વબચાવમાં ફોરેસ્‍ટર ઓફિસરે હવામાં ફાયરિંગ કરીને તત્‍કાળ ત્રણ શખ્‍સોને બે બોર ગાળવાના સાઈડા,બાઈક,ત્રણ ટ્રેક્‍ટર, એક ટ્રોલી,ટેન્‍કર સહિત રૂપિયા ૧૮લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

કચ્‍છનું નાનું રણ હળવદ, બજાણા, આડેસર, ધ્રાંગધ્રા સહિતના રેન્‍જ વચ્‍ચે વહેંચાયેલું છે હળવદ અને આડેસર ની રેન્‍જ વચ્‍ચે આવેલ ઘુડખર અભ્‍યારણમાં ગઈકાલે અમુક શખ્‍સો ગેરકાયદે બોર ગાળતા હોવાની ફરિયાદ મળતા તુરંત જ હળવદ, આડેસર, બજાણા અને ધ્રાગંધ્રા સહિત ચારેય રેન્‍જની ફોરેસ્‍ટની ટિમો ત્‍યાં ત્રાટકી હતી અને ફોરેસ્‍ટની ટીમોએ આ શખ્‍સોને અભ્‍યારણ વિસ્‍તારમાં ગેરકાયદે કામ ન કરવા અને આ બોર ગાળવાનું કામ બંધ કરવાનું કહેતા ત્રણ શખ્‍સો ઉશ્‍કેરાયેલા હતા અને ફોરેસ્‍ટની ટિમો સાથે માથાકૂટ કરવા લાગ્‍યા હતા. જેમાંથી આ અમુક શખ્‍સો હુમલો કરવાની પેરવી કરતા હોવાનું લાગતા આડેસર રેન્‍જના ફોરેસ્‍ટર ઓફિસર એસ.એસ.સારલાએ તેમના સ્‍વબચાવમાં પોતાની બંદૂકથી હવામાં ગોળીબાર કર્યા હતા અને તાત્‍કાલિક ધોરણે ગેરકાયદે બોર ગાળવાનું કામ બંધ કરાવી આ ત્રણ શખ્‍સો અર્જુનકોલ વિશાખુંજઠા (રહે તા.હનમના જી.રિબા રાજય.મધ્‍યપ્રદેશ, ઓપરેટર), મુસારામ મગરામ જાટ સનવડા (રહે તા.જુના ખેગલી જી.બાડમેર રાજય.રાજસ્‍થાન ટ્રેકટર ડ્રાઇવર), ખેગાભાઈ નોંધાભાઈ આહીર (રહે લાખાગઢ તા.રાપર જી.ભુજ,બોરવેલ ઓપરેટર)ને બે બોર ગાળવાના સાઈડા, બાઈક, ત્રણ ટ્રેક્‍ટર, એક ટ્રોલી,ટેન્‍કર સહિતના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. કુલ અંદાજે રૂ. ૧૮ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્‍યો હતો અને આ મુદામાલ હળવદ ફોરેસ્‍ટ ઓફિસે લઈ આવી ત્રણેય શખ્‍સો વિરુદ્ધ ગુન્‍હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 આ કામગીરીમાં કે એમ ત્રમટા, ચેતનભાઇ ગોસ્‍વામી, સી.બી.ગઢવી, કાનાભાઈ આહીર સહિતનાઓ રોકાયેલા હતા.

(11:44 am IST)