સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th February 2018

વિંછીયાની કોળી પરિણિતાના આપઘાત કેસમાં પતિના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ, તા. ૩ : રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અજમેર ગામમાં રહેતી કોળી પરિણીતા વર્ષાબેન સાસરીયાના ત્રાસને કારણે ઝેરી દવા પી આપઘાત કરી લેતા નોંધાયેલ ફરીયાદ કામે પતિની જામીન અરજી હાઇકોર્ટે મંજુર કરી હતી.

આ કેસની હકિકત એવી છે કે તા. ર૭-૦૮-ર૦૧૭ના રોજ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અજમેર ગામમાં રહેતી કોળી પરિણીતા વર્ષાબેન દવા પી આપઘાત કરી લીધેલ હતો. જે સંબંધે મરણજનારના પિતા ભનાભાઇ સુરાભાઇ પલાળીયાએ વિંછીયા પો. સ્ટેશનમાં (૧) દેવરાજભાઇ ઝાપડીયા (સસરા) (ર) નિલેશ દેવરાજભાઇ ઝાપડીયા (પતિ) (૩) શાંતુબેન દેવરાજભાઇ ઝાપડીયા (સાસુ) રહે. મું. અજમેર, તા. વિંછીયા, જિ. રાજકોટ સામે ફરીયાદ કરેલ હતી. જે ફરીયાદમાં તેઓએ એવા આક્ષેપો કરેલ કે લગ્ન બાદથી આરોપીઓ તેમની દિકરી વર્ષાને શારીરિક માનસીક ત્રાસ આપી અને તું વાંઝણી છો તેથી તારા પતિને ગમતી નથી તને રાખવી નથી તેવું કહી અસહ્ય ત્રાસ આપતા અંતે કંટાળીને તેની પુત્રીએ ખેતરમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાત કરેલ હતો જે સંદર્ભેનો ગુન્હો કરેલ ફરીયાદ નોંધાયેલ હતી.

આરોપી વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ ગુજરનારના પતિ નિલેશ દેવરાજભાઇ કોર્ટમાં સરન્ડર થઇ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ હતી.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એવું ઠરાવેલ કે પ્રથમ દર્શનીય રીતે પતિને ઇ.પી.કો. કલમ-૩૦૬ હેઠળ આવરી શકાય તેટલો મજબુત પુરાવો કાગળોમાં અસ્તિત્વ ધરાવતો નથી. તેમજ મરણજનારને મરવા સિવાય કોઇ વિકલ્પ આરોપીએ બચવા દીધેલ હોવાનો પુરાવો પણ નથી તેમજ ગુન્હાહિત માનસને પણ અભાવ છે જેથી પતિ નિલેશ દેવરાજભાઇ જામીન શરતોને આધીન મંજુર કરેલ હતા.

આ કામમાં આરોપી વતી ધારાશાસ્ત્રી તુષા ગોકાણી, રીપેન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા, ભારદ્વાજ, કેવલ પટેલ તથા હાઇકોર્ટમાં ખીલન ચાંદ્રાણી રોકાયેલ હતા.

(11:49 am IST)