કચ્છના સતાપર ગામે ધોળે દિ' મહિલાની ગળુ કાપી હત્યા
ચોરી કરવા ઘૂસેલા તસ્કરોએ હત્યા કરી હોવાની શંકા
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૫ : કચ્છના અંજાર તા.ના સતાપર ગામે ૩૪ વર્ષીય મીઠીબેન હરિભાઈ આહીર ની પોતાના ઘરમાં ગળુ કાપેલી હાલતમાં લાશ મળી આવતા જ ચકચાર મચી ગઈ છે.
નાનકડા એવા સતાપર ગામે સનસની સર્જતો આ બનાવ ધોળે દિવસે બન્યો હોઈ સમગ્ર પંથકમાં ચર્ચા સાથે ચિંતા નો માહોલ સર્જાયો છે. મૃતક મહિલાના પતિ હરિભાઈ છકડો ચલાવે છે. જયારે એમના પત્ની મીઠીબેન મનરેગામાં મજૂરી કામ કરતા હતા. એક દીકરો બહાર હોસ્ટેલમાં રહી ભણે છે. જયારે દીકરી બપોરે ગામમાં સ્કૂલે ગઇ હતી. દરરોજના નિત્યક્રમ પ્રમાણેᅠ પતિ હરિભાઈ બપોરે ઘેર જમવા આવ્યા ત્યારે પત્ની મીઠીબેનને સાદ પાડયો પણ રૂમ માંથી જવાબ ન મળ્યો એટલે અંદર ગયા તો પત્નીનાᅠ મોઢા ઉપર ઓશીકું દબાવેલું હતું. તે હટાવતાં પત્નીના ગળામાં હથિયાર વડે ઘા ઝીંકાયેલા અને મોઢું બાંધેલી હાલતમાં હતું. લોહી વહી ગયું હતું. પત્નીને આવી હાલતમાં જોઈ પતિ પણ બેભાન થઈ ગયો હતો.
જોકે, ત્યારબાદ આજુબાજુ વાળાને બોલાવ્યા હતા ઘરમાં કબાટ વેરવિખેર હતો દાગીના તેમજ રોકડ રકમ ચોરાઈ ગઇ હોવાનું ધ્યાને આવ્યું હતું. ઘટના બાદ પૂર્વ કચ્છ એસપી સહિત પોલીસ કાફલો ધસી ગયો હતો.