સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th July 2022

વાંકાનેરમાં હિન્‍દુ-મુસ્‍લિમ લોકોએ મારૂતી હનુમાનજી મંદિરનું નિર્માણ કર્યું

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૫ : વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્‍તારમાં આવેલ શ્રીમારૂતિ હનુમાનજી (પીપળાવાળા) વર્ષોથી નાની એવી ડેરીમાં બિરાજમાન હતા.
અને તેજ જગ્‍યા પર ત્‍યાંનાં રહેવાસીઓ હિન્‍દુ મુસ્‍લિમ લોકોએ સાથે મળી નૂતન મંદિરના બાંધકામ કરવામાં સહયોગ આપેલ હતો.
ત્‍યારબાદ સાંજે ૪ કલાકે નૂતન મંદિર ધ્‍વજારોહણ લતાના રહેવાસી બહાદુરભાઇ અણદાણી (મુસ્‍લિમ)ના વરદ હસ્‍તે યોજાયેલ હતો. ત્‍યાર પછી બટુક ભોજનનો પ્રારંભ થયેલ તે આખા વિસ્‍તારના બટુકોએ પ્રસાદનો લાભ લીધેલ.
વિશેષમાં મારૂતિ હનુમાનજી (પીપળાવાળા) મંદિરના પુજારી વૃધ્‍ધ પ્રવિણભાઇ મારા જ વર્ષોથી મંદિરમાં નિઃસ્‍વાર્થ સેવા પુજા નિયમીત કરતા હોય છે.
ખાસ જોવાનું એ રહ્યુ કે પ્રવિણભાઇ મારાજને એક જમણો હાથ અડધો જ છે છતાં મંદિરમાં પુરતી સેવા તથા ભાવિક ભક્‍તજનોને અડધા હાથે પણ અંતરથી આશિર્વાદ આપતા હોય છે.
ઉપરોકત નૂતન મંદિરના ભગીરથ કાર્યમાં જોડાયેલાઓમાં મુખ્‍ય બહાદુરભાઇ અણદાણી (મુસ્‍લિમ છે.) તેમજ રાકેશભાઇ દેવમુરારી, હિતેશ સારદીયા, કમલેશ અબાસણીયા, શકિતસિંહ ઝાલા, દુષ્‍યંત સારદીયા, બન્‍ટી ઉધરેજા, દિગ્‍વિજયસિંહ ઝાલા, હર્ષન પટેલ, સોમાભાઇ, વિપુલ રબારી, અમિત અબાસણીયા, રાજ સારદીયા તથા હિતેશ અબાસણીયા વગેરેએ આ ભગીરથ કાર્યમાં પોતાની સેવા આપી હતી. સૌ કોઇ લતાના રહેવાસીઓએ ઉપરોકત કાર્યકરોની સેવાને બિરદાવી હતી.

 

(10:50 am IST)