સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th December 2021

કચ્છના એરપોર્ટ બાદ કંડલા મુન્દ્રા બંદરે કોરોના ટેસ્ટ ફરજિયાત: ભુજમાં વિદ્યાર્થીને કોરોના થતાં વાલીઓમાં ઉચાટ

ભુજ : ફરી એક વાર કોરોનાએ ચિંતાનો માહોલ સર્જ્યો છે. નવા વેરીયેન્ટ ઓમીક્રોનના પગલે વિદેશની સાથે સાથે દેશમાં પણ સરકાર સાવધાની વર્તી રહી છે અને વહીવટીતંત્રને સજજ કર્યું છે. એરપોર્ટ ઉપર ચેકીંગ વધાર્યા બાદ હવે કચ્છમાં આવેલા દેશના મુખ્ય બે મહા બંદરો કંડલા તેમ જ મુન્દ્રા પોર્ટ ઉપર આવતાં વિદેશી જહાજોના ક્રુ મેમ્બરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયો છે. કોરોના ના ફફડાટ વચ્ચે સ્કૂલો શરૂ થઈ ગઈ છે. પરંતુ ભુજની વી.ડી. હાઈસ્કૂલ ના એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવનાર ૩૨ વિદ્યાર્થીઓ અને ૮ શિક્ષકોના સેમ્પલ લેવાયા છે. તેમના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. સ્કૂલમાં વિદ્યાર્થીને કોરોના હોવાની જાણ થયા બાદ વાલીઓ ઉચાટમાં છે. સ્કૂલ બસ કે સ્કૂલ રિક્ષા હોય કે પછી સ્કૂલનો ક્લાસરૂમ હોય છાત્રો માટે સોશ્યલ ડીસ્ટનીંગનું પાલન કરવું એ અઘરું કામ છે. જોકે, આ સાથે કચ્છમાં ૫ દર્દીઓ સાજા થતાં એક્ટિવ કેસ ઘટીને ૮ થયા છે

(10:19 am IST)