સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th October 2022

પોરબંદરમાં પૂ. રમેશભાઇ ઓઝાના હસ્તે સાંદિપની ગૌરવ એવોર્ડ વિતરણ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૪ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સનિધ્યમાં શ્રીહરિ મંદિરમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અનેક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ચાલી રહ્યો છે. જેના અનેક લોકો દર્શન મનોરથનો લાભ લઇ રહ્યા છે.

૫૧ કુમારિકાઓનું પૂજન આજે મહાદુર્ગાષ્ટમીના વિશેષ અવસરે પૂજય ભાઈશ્રી દ્વારા શ્રીરામચરિત માનસ અનુષ્ઠાનનો પ્રારંભ થાય એ પૂર્વે પૂજય ભાઈશ્રીનિ ઉપસ્થિતિમાં મનોરથી દ્વારા ૫૧ કુમારિકાઓનું પૂજન કરવામાં આવ્યું. સર્વે કુમારિકાઓને ભેટ આપવામાં આવી.  

શારદીય નવરાત્રિ આજે આઠમાં નોરતે સાંદીપનિ યજ્ઞશાળામાં યજ્ઞસેના ટીમ  દ્વારા સંપૂર્ણ વેદોકત શાસ્ત્રોકત વિધિવિધાન સાથે હોમાત્મક દુર્ગાસપ્તશતી યાગ સંપન્ન કરવામાં આવ્યો. જેમાં ઋષિકુમારો દ્વારા સંપૂર્ણ દુર્ગાસપ્તશતીનના શ્લોકો સાથે હોમ કરવામાં આવ્યો. પૂજય ભાઈશ્રી શ્રીરામચરિત માનસપાઠના અષ્ટમ દિવસના અનુષ્ઠાનને વિરામ આપીને દુર્ગાસપ્તશતીયાગની પૂર્ણાહુતિમાં ઉપસ્થિત રહ્યા હતા અને યજમાન શ્રીમતી દિવ્યાબેન અરુણભાઈ લોઢીયા અને પરિવારને આશીર્વાદ આપ્યા હતા.

શ્રી હરિમંદિરમાં યોજાયા અન્નકૂટ મનોરથના દર્શન

પૂજય ભાઇશ્રીના સાન્નિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ચાલી રહેલા ૪૧મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત આજે દુર્ગાષ્ટમીના દિવસે શ્રીહરિ મંદિરમાં કરુણામયીમાં ને અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યો. તેમજ સાંજે ૭ વાગ્યે અન્નકુટ આરતી સંપન્ન થઇ. આ મનોરથ દર્શનનો અનેક ભાવિકોએ લાભ  લીધો હતો.

સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ

શારદીય નવરાત્રિ મહોત્સવ અંતર્ગત આવતીકાલે  તા- ૦૪/૧૦/૨૦૨૨, મંગળવારના રોજ બપોર બાદ ૩:૩૦થી ૬:૩૦ દરમ્યાન (વર્ષ-૨૦૨૧)ના ૨૬મા સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વ-ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન આપનારાનું રાજર્ષિ, દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને મહર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે. જેનું લાઇવ ટેલીકાસ્ટ ર્સ્નીઁફુર્જ્ઞ્ષ્ટીઁજ્ઞ્.દ્દરુ  યુ-ટયુબ ચેનલ પર થશે.

રાજર્ષિ એવોર્ડઃ જેઓએ પોતાના પુરુષાર્થથી ધનનું ઉપાર્જન કરીને, અર્જિત કરેલા ધનને સમાજની સેવામાં, પરમાર્થની સેવામાં આપ્યું છે એવા સમાજના શ્રેષ્ઠીને રાજર્ષિ એવોર્ડ આપવામાં આવે છે. ૪, જેઓએ દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિ સિવાય અન્ય ક્ષેત્રમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હોય એવા વિશિષ્ટ વ્યકિતનું મહર્ષિ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. એ ક્રમમાં આ વર્ષે મૂળ ખીમસર, રાજસ્થાનના શ્રીબંસીલાલ રાઠીજીને રાજર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે. તેઓના પિતાજીનું અકાળે અવસાન થતા માત્ર ૧૩ વર્ષની આયુમાં વ્યાપારના ક્ષેત્રમાં આવીને ઉત્ત્રોત્ત્ર પ્રગતિ સાધી છે. હાલમાં તેઓ ચેન્નઈમાં મોટા ઉદ્યોગપતિ અને સમાજસેવીના રૃપમાં પ્રતિષ્ઠિત છે.

દેવર્ષિ એવોર્ડઃ જેમાં જેઓએ સમાજની વચ્ચે રહીને, જીવન મુલ્યોને આત્મસાત કરીને સમજને નવી દિશા આપવાનું કામ કર્યું છે, જેઓએ નિસ્પૃહ બનીને સમાજની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એવા વિરકત સંત-સન્યાસી ને દેવર્ષિ અવોર્ડ એવા અર્પણ કરવામાં આવે છે. એમાં આ વર્ષે બરસાના-વ્રજભૂમિના પરમ સેવક પરમ શ્રદ્ઘેય પૂજય શ્રીરમેશ બાબાનું દેવર્ષિ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવશે. રાધાજીની જન્મસ્થલી બરસાનાની ગહ્વર વાટિકા તેઓનું આશ્રય સ્થાન છે. પૂજય રમેશબાબાએ ભારતની સનાતન સંસ્કૃતિના કાર્ય એવા ગયો, ગોપાલકો અને વ્રજભૂમિના સરંક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેઓએ વર્તમાનમાં ૩૨ હાજર જેટલા ગામોમાં પ્રભાતફેરી અને કૃષ્ણ કીર્તન યાત્રાના માધ્યમથી શ્રીકૃષ્ણ ભકિતની સુગંધ ફેલાવી રહ્યા છે. વ્રજ પરિક્રમા માર્ગમાં તેઓએ અનેકો વૃક્ષો વાવ્યા છે. તેઓ ગૌશાળાની સ્થાપના કરીને ૩૫ હાજર ગાયોની સેવા કરી રહ્યા છે. છેલ્લા ૬૦ વર્ષોથી વ્રજ-મંડળનિ અહર્નિશ સેવા કરી રહ્યા છે અન આમ જ સેવા કરવાનો એમનો સંકલ્પ હોવાથી વ્રજમંડળથી બહાર તેઓ જતા પણ નથી.

બ્રહ્મર્ષિ એવોર્ડ : જેઓએ સંસ્કૃત ભાષાનું અધ્યયન કરીને, સંસ્કૃત ભાષાને સમૃદ્ઘ કરવા અને એનો પ્રચાર કરવા માટે જેઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા સંસ્કૃત અને વેદ-શા સ્ત્રોના પ્રકાંડ વિદ્વાનોને બ્રહ્મર્ષિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. એમાં આ વર્ષે વેદ-વિજ્ઞાન શોધ સંસ્થાન ટ્રસ્ટ, બેંગ્લોરના અધ્યક્ષ, સંસ્કૃતભાષાના વિદ્વાન પ્રો.રામચંદ્રજી ભટ્ટજીનું બ્રહ્મર્ષિ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવશે. તેઓ વેદાંત દર્શન, મીમાંસા, પ્રાચીન ન્યાય શાસ્ત્ર, યોગ શાસ્ત્રની સાથે આધુનિક વિજ્ઞાન, અધ્યાપન શાસ્ત્રના મર્મજ્ઞ છે. માત્ર ભારત જ નહિ પરંતુ વિદેશમાં પણ તેઓની ખ્યાતી છે. સંસ્કૃતમાં તેઓ દ્વારા લિખિત પુસ્તક 'નમઃ પ્રકૃત્યે ભદ્રાયે' ખુબજ લોકપ્રિય બન્યું છે. તેઓને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.    

મહર્ષિ એવોર્ડઃ દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ સિવાયના ક્ષેત્રમાં જેઓએ સમાજમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન પ્રદાન કર્યું હોય એવા વિશિષ્ટ વ્યકિતને મહર્ષિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તેમાં આ વર્ષે ગુજરાતના બારડોલી, સુરતના સેવા અને શિક્ષણના ક્ષેત્રમાં અનુપમ સેવા આપનારા સુશ્રી નિરંજનાબેન મુકુલભાઈ કલાર્થીનું મહર્ષિ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવશે. તેઓએ પોતાનું સંપૂર્ણ જીવન  સ્ત્રી-શિક્ષાનો  એ પણ માત્ર શહેરી વિસ્તાર જ નહિ પરંતુ ગ્રામીણ અને વનવાસી ક્ષેત્રમાં વિસ્તાર કરવામાં સમર્પિત કર્યું છે. તેઓ સૌ પ્રથમ સ્વરાજ આશ્રમથી પોતાની સેવા આપવાનું કાર્ય શરુ કર્યું હતું. ત્યારબાદ શ્રીમતી નિરંજનાબેનના સદ પ્રયત્નોથી ત્યાં વર્ષ ૧૯૬૬થી સરદાર કન્યા વિદ્યાલય અને સરદાર કન્યા છાત્રાલયને પ્રારંભ કરીને સ્ત્રીશિક્ષણમાં નવા યુગનો પ્રારંભ કર્યો હતો. તેઓના વિશિષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓએ અનેક પુસ્તકોનું પણ સર્જન કર્યું છે.  

આપ સૌ ભાવિકોને આ સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહીને ગૌરવમયી ક્ષણના સાક્ષી બનવા માટે સાંદીપનિ પરિવાર નિમંત્રણ પાઠવે છે.   પૂજય ભાઈશ્રીના સાન્નિધ્યમાં ચાલી રહેલા ૪૧મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં દેશ-વિદેશના શહેરોમાંથી તેમજ પોરબંદર અને આસપાસના ગામમાંથી અનેક ભાવિકજનો અનુષ્ઠાન અને મનોરથ-દર્શન, કથા શ્રવણ, રાસ-ગરબાનો દિવ્ય લાભ લઇ રહ્યા છે. તો અનેક લોકો ર્સ્નીઁફુર્જ્ઞ્ષ્ટીઁજ્ઞ્.દ્દરુ  ના માધ્યમથી પણ જોડાઈ રહ્યા છે.

(1:56 pm IST)