સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

જૂનાગઢની પાંચ લેખિકા સહિત ૬૦ બહેનોની વાર્તા 'સ્ત્રીઆર્થ'માં પ્રકાશિત થશે

જૂનાગઢ તા.૪ : ગુજરાતી સાહિત્યક્ષેત્રે નવોદિત બહેનો કે જેઓ ખુબ સુંદર વાર્તાઓ દ્વારા નવા નવા વિચારો સમાજ સુધી પહોચાડવા માંગે છે પણ તેમની વાર્તાઓ નવોદિત હોવાના કારણે કચરા ટોપલીમાં જતી રહેતી હતી. આ સંવેદનાનો હું પણ ભોગ બની હોવાનુ જણાવી જૂનાગઢની દિકરી પ્રતિભા ઠકકરે વાર્તા સંગ્રહ પ્રકાશિત કરવા કમર કસી જેના વિચારબીજને પાંચ વર્ષ પુર્ણ થયા છે. ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, પાંચમો 'સ્ત્રીઆર્થ' અંક આગામી દિવસોમાં વિમોચન થવા જઇ રહ્યો છે તેમા જૂનાગઢની પાંચ નવોદિત બહેનોના લેખ પણ પસંદ થયા છે.

ભાવનગરના એડવોકેટ પ્રતિભા ઠકકરે 'સ્ત્રીઆર્થ'જો વિચાર કેમ અને કયારે ઉદભવ્યો તે અંગેની વાત કરતા જણાવ્યુ કે, ૨૦૦૮માં તેમની એક વાર્તા જેમા નાયિકા એક વિકલાંગ બાળકને જન્મ આપે છે. તબીબોના આશ્વાસન મુજબ આ બાળકની માતાએ હિંમત હાર્યા વિના તેનુ લાલન પાલન કર્યુ. પાંચ વર્ષના સંઘર્ષ બાદ બાળક જયારે ચાલતા શીખ્યું ત્યારે તબીબોએ મહિલાને શાબાસી આપી બાળકને પુછયુ બેટા તને વધારે કોણ ગમે? પાપા કે મમ્મી ? ત્યારે રોજ ચોકલેટ આપતા પાપા સામે બાળકે આંગળી ચીંધી. આ ઘટના બાદ લેખિકાની નાયિકાએ કરેલા પાંચ વર્ષના પુરૂષાર્થ છતા જશનું પ્રારબ્ધ ન મળ્યુ અને ત્યારે લેખિકા પ્રતિભા ઠકકરને એક નવો શબ્દ મળ્યો પુરૂષાર્થને બદલે 'સ્ત્રીઆર્થ' ખરેખર સ્ત્રીની જીંદગી બાળકો, પતિ, પરિવારને સંભાળવામાં જતી રહ્યા બાદ છેલ્લે પુત્રના સંતાનોને પણ દાદીમાનો પ્રેમ મળે છે. આમ 'સ્ત્રીઆર્થ'નવો શબ્દ મળ્યો!

'સ્ત્રીઆર્થ' વર્ષમાં એક વખત અંક તૈયાર કરવામા આવે છે. ૨૦૧૫થી શરૂ થયેલ આ સાહિત્યયાત્રાનો મુખ્ય ઉદ્દેશ નવોદિત લેખિકાને પ્લેટફોર્મ પુરૂ પાડયાનો હોવાનુ જણાવી પ્રતિભાબેનની આ બેનમુન કામગીરી જોઇ ચેન્નઇની સંસ્થાએ તેઓનું શિલ્ડ એનાયત કરી વિશેષ સન્માન કર્યુ છે.

જૂનાગઢની નવોદિત લેખીકાનો પરિચય આપતા પ્રતિભાબેને કહ્યુ કે, મુસ્લિમ સમાજની ફલક સિકંદ નામની ગૃહિણીએ પણ ગુજરાતી ભાષાના લેખમાં જબરૂ ખેડાણ કર્યુ છે. ઉપરાંત બે શિક્ષિકાએ હિનાબેન દાસા, પ્રતિક્ષાબેન રાવલીયા સંગીતક્ષેત્રે આગળ વધી રહેલ નિશા નાણાવટીની વાર્તાઓ 'સ્ત્રીઆર્થ'માં લેવામાં આવી છે.

(11:52 am IST)