સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th February 2023

કાલે જુનાગઢ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરે પુનમની ઉજવણી કરાશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૪ : જૂનાગઢ જવાહાર રોડ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ખાતે કાલે રવિવારના રોજ પુનમ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

જેમાં મંદિરના ચેરમેન દેવનંદસ્‍વામી અને મહંત પ્રેમસ્‍વરૂપદાસજી તથા પીપી સ્‍વામીની આગેવાની હેઠળ સવારમાં દેવોનો અભિષેક - મહાઆરતી અને મંદિરના શિખર પર નુતન ધ્‍વજારોહણ કરવામાં આવશે. આ મંદિરમાં સ્‍વામિનારાયણ ભગવાનના હસ્‍તે પ્રતિષ્‍ઠિત કરાયેલ સિધ્‍ધેશ્વર મહાદેવ પ્રત્‍યે લોકો અનન્‍ય શ્રધ્‍ધા સાથે દર મહિને પુનમ ભરવા ભાવિકો આવે છે અને આજે પણ લોકોની મનોકામના પૂર્ણ થાય છે. લોકો પોતાની કોઇના કોઇ દુઃખ દર્દ સામાજીક પ્રશ્નોના નિરાકરણ માટે સિધ્‍ધેશ્વર મહાદેવની માનતા રાખે છે અને શ્રધ્‍ધા સાથે ફળે છે. આમ લોકોને શ્રધ્‍ધા અને આસ્‍થાનું કેન્‍દ્ર એવા ભગવાન સિધ્‍ધેશ્વર મહાદેવના દર્શન અને પુનમ ભરવા ભાવિકોની રીતસર લાઇનો લાગે છે એવા પ્રતાપી ભગવાનના દર્શનનો પુનમના દિવસે વિશેષ મહિમા રહેલો છે. પુનમને લઇને મંદિરના મહંત પૂ. પ્રેમસ્‍વરૂપદાસજી તથા પીપી સ્‍વામી દ્વારા તૈયારી કરાઇ રહી છે.(૨૧.૧૩)

(1:29 pm IST)