સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

સુરેન્દ્રનગર જેલમાં શ્વાસની બિમારી અને હૃદયરોગના હુમલાથી બન્ને કેદીના મોત થયાનું ખુલ્યું

વઢવાણ, તા. ૩ :. સુરેન્દ્રનગરની સબ જેલમા વધુ એક કાચા કામના કેદીનું મોત થતા તંત્રમાં દોડધામ અને કેદીઓમાં ફફડાટ ફેલાય ગયો છે. જ્યારે પ્રાથમિક સારવાર પણ ન મળી શકે તેવી અહી વ્યવસ્થા કેદીઓના મોત માટે જવાબદાર હોવાની બુમરાણ ઉઠી છે. આ કેદીનુ પણ હૃદયરોગ હુમલાથી મોત થયાનું બહાર આવ્યુ છે. હાલ રાજકોટ પી.એમ. માટે મૃતક કેદીની લાશને ખસેડાઈ હતી.

શકનપર વિસ્તારમાં રહેતા અંદાજે ૫૦ વર્ષના જીકરભાઈ મહમદભાઈ ફકીરને દારૂના કેસમા ત્રણ દિવસ પહેલા જ સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કામના કેદી તરીકે લાવવામાં આવ્યા હતા. ત્યારે જીકરભાઈની તબીયત બગડતા સોમવારે ગાંધી હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવીલમાં લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ જીકરભાઈએ લેખીતમાં જણાવ્યુ હતુ કે મારે અહીંયા નથી રહેવુ, મને સુરેન્દ્રનગર સબ જેલમાં લઈ જાવ. ત્યાર બાદ મંગળવારે સવારે સબજેલના બાથરૂમમાં જીકરભાઈ ત્યાં જ ઢળી પડતા કેદીઓએ જેલના સ્ટાફને જાણ કરી હતી અને જીકરભાઈને ગાંધી હોસ્પીલલે લાવવામા આવ્યા હતા.

ફરજ પરના તબીબે જીકરભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે જીકરભાઈના મોતથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જીકરભાઈના મોત અંગે શ્વાસની તકલીફ કે હૃદયરોગનું પ્રાથમિક કારણ બહાર આવ્યુ છે.

બીજી તરફ રવિવારે જ એક કાચા કામના કેદીનું મોત થયુ હતું ત્યારે છેલ્લા ત્રણ દિવસોમાં જેલમાં જ બે કેદીઓના મોત થતા  હાલ આ સબ જેલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઇ છે.

મારા ભાઇની અચાનક તબીયત બગડતા ગાંધી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જયારે આ અગાઉ તબીયત બગડતા રાજકોટ સારવાર માટે તેમને લઇ ગયા હતાં તે બાબતે અમને તંત્ર દ્વારા કોઇ જાણ કરાઇ ન હતી. જોઅમને જાણ કરી હોય તો પરિવારજનો તેમને મળી શકયા હોત.

સુરેન્દ્રનગરની જેલમાં કેદીઓની તાત્કાલીક સારવાર થઇ શકે તેવી કોઇ વ્યવસ્થા નથી. કાયમી  ડોકટરની કોઇ નિમણુંક કરવામાં આવી નથી. ત્યારે જેલના  કેદીઓને જે પ્રાથમિક સારવાર જે મળવી જોઇએ તે મળતી નથી. જેના કારણે આવા કિસ્સાઓ બનવાનું કારણ હોઇ શકે.(૨-૧૨)

(4:01 pm IST)