સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

...૭ મહિનાની વૈદેહીની વિદાયે અશ્રુનો દરિયો વહયો...

પાલક માતા-પિતાએ દત્તક લેતા અનાથ વૈદેહીને મળી વાત્સલ્યની હુંફ, પોરબંદરના NRI ગુજરાતી તબીબ ડો. ભીમજી મુળજી ઓડેદરા અને તેમના વિદેશી પત્નિ કેટી ભુજની વૈદેહીને યુકે લઈ જશે

ભૂજઃ તસ્વીરમાં મહિલા કલ્યાણ કેન્દ્રમાં ૭ મહિનાની બાળાને પાલક માતા-પિતાને સોંપવામાં આવી હતી તે નજરે પડે છે (તસ્વીરઃ વિનોદ ગાલા-ભૂજ)

ભૂજ, તા. ૩ :. કુદરત ઘણીવાર નાના માસુમ ફુલોની કસોટી કરે છે તો એ કસોટી વચ્ચેય 'વાત્સલ્ય'ની હુંફ પણ પુરી પાડે છે. ભૂજમાં મહિલા કલ્યાણ કેન્દ્રમાં ૭ મહિનાની અનાથ 'વૈદેહી'ને જ્યારે વિદાય અપાઈ ત્યારે એક સાથે ૭૦થી'યે વધુ લોકોની આંખમાં અશ્રુમાં 'તોરણ' બંધાયા હતા.

પ્રસંગ હતો એક અનાથ દિકરીને વાત્સલ્યની હુંફ આપવાનો... એક દીકરીને 'મા-બાપ'ની છત્રછાયા પુરી પાડવાનો... કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર મધ્યે પોરબંદરના અને હાલે યુકે રહેતા ડો. ભીમજી મુળજી ઓડેદરા અને તેમના વિદેશી ધર્મપત્નિ કેટી એ ૭ મહિનાની માસુમ ફુલ સમાન વૈદેહીને દત્તક લીધી હતી.

જો કે વૈદેહીએ નાનકડી પોતાની સાત મહિનાની જિંદગીમાં અનેક ચડાવ ઉતાર જોયા. તેની 'મા' જન્મના ત્રીજા દિવસે જ મૃત્યુ પામી. પિતાએ માનવ જ્યોત સંસ્થાને સોંપી, સંસ્થાએ ત્રણ દિ'ની બાળકીને કચ્છ મહિલા કેન્દ્રને સોંપી. અહીં આ અનાથ બાળકીનું 'વૈદેહી' નામકરણ થયું.

કંટકો વચ્ચેય કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછરતી વૈદેહીને સંસ્થાના ટ્રસ્ટીઓ, સ્ટાફ અને સાથે રહેતી દીકરીઓએ હુંફ આપી એ દરમ્યાન દત્તક માટેની કાર્યવાહીમાં યુકેના ડો. ઓડેદરા દંપતી અહીં ભૂજ સુધી પહોંચ્યા. સરકારની તમામ વિધિ પૂર્ણ કરીને ઓડેદરા દંપતીએ જ્યારે માસુમ વૈદેહીના માથે હાથ ફેરવ્યો ત્યારે તમામ આંખો રડી ઉઠી હતી.

આ પ્રસંગે સંસ્થાના કમળાબેન વ્યાસ, ભાનુબેન પટેલ, જ્યોતિબેન ભટ્ટ, ઈલાબેન અંજારીયાએ આનંદની લાગણી વ્યકત કરી હતી.

(3:56 pm IST)