સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

જસદણ જીઇબી વિસ્તારમાં પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળ્યું

જસદણ તા. ૩ : જસદણમાં જીઇબી કચેરી નજીક જમાતખાના રોડ ઉપર પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળતા નાગરીકોના આરોગ્ય ઉપર ખતરો ફેલાયો છે.

ઘાચી જમાત ખાના નજીક રોડ બનાવવા માટે રોડનું ખોદકામ કરેલ છે. આ વિસ્તારમાં રોડ ખોદવાથી ભૂગર્ભ ગટરની લાઇન તથા પાણીની પાઇપલાઇન તુટી ગઇ છે. રોડ ઉપર ઠેર ઠેર ગટરનું ગંદુ પાણી ભરાયું છે આ પાણી રોડ ઉપર ફરી વળવાથી લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. પાણીની પાઇપ લાઇનમાં ગટરનું પાણી ભળવાથી આ વિસ્તારના નાગરીકોના આરોગ્ય ઉપર જોખમ છે. ઘાચી જમાતખાના નજીક રહેતા જાગૃત નાગરીક અબ્દુલભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે આ પ્રશ્ને નગરપાલિકાને જાણ કરવા છતા પગલા લેવામાં આવ્યા નથી. ભયંકર રોગચાળો ફાટી નિકળે તે પહેલા ગટર અને પાણીની પાઇપલાઇન રીપેર કરવાની નાગરીકોની માગણી છે.

(11:28 am IST)