સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

મુળ સૌરાષ્ટ્રના અને હાલ ટાન્ઝાનીયાનાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ જીતુભાઇ સોની સૌરાષ્ટ્રની મુલાકાતે

જસદણ, ચીતલ, શાપર-વેરાવળના કારખાનાઓની મુલાકાતથી ખૂબ જ પ્રભાવિતઃ ટાન્ઝાનીયા સાથે ખેત-ઓઝાર માટે વેપારના નવા દ્વાર ખુલવાની આશા

ટાન્ઝાનીયાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ જીતુભાઇ સોની જસદણની મુલાકાતે આવ્યા હતાં. પ્રથમ તસ્વીરમાં દિનેશભાઇ વસાણીને સન્નમાનીત કરતા ગોરધનભાઇ બાંભણીયા દ્વિતીય તસ્વીરમાં જીતુભાઇને સન્નમાનિત કરતા જસદણ પુર્વ પાલિકા પ્રમુખ જે.પી. રાઠોડ અને બાજુની તસ્વીર જીતુભાઇ સોનીની છે. (તસ્વીર : વિજય વસાણી -આટકોટ)

આટકોટ તા. ૩ :..  મુળ સૌરાષ્ટ્રનાં પરંતુ વર્ષોથી ટાન્ઝાનીયામાં સ્થાયી થયેલા જીતુભાઇ સોની કે જે ટાન્ઝાનીયામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે રીન્યુબલ એનર્જી કમીટીના ચેરમેન છે. ઉપરાંત એગ્રીકલ્ચર કમીટીના અને બજેટ કમીટીના સભ્ય તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતાં અને અહીં ખેતીવાડીને લગતા સાધનો જેવા કે હલર, કટર અને ત્રણ પૈડાના ટ્રેકટરો જોઇ પ્રભાવિત થઇ વેપાર ક્ષેત્ર આગામી દિવસોમાં ટાન્ઝાનીયા અને સૌરાષ્ટ્ર વચ્ચેના દ્વાર ઝડપથી ખોલવાની ખાત્રી આપી હતી.

ટાન્ઝાનીયા સરકાર વતી દિલ્હી આવેલા અને ટાન્ઝાનીયામાં કેબીનેટ મંત્રી જેવો હોદો ધરાવતા જીતુભાઇ સોની દિલ્હી ભારત  સરકારમાં સત્તાવાર મુલાકાત બાદ મુળ જસદણનાં અને હાલ રાજકોટ રહેતા તેમના પરમ મિત્ર દિનેશભાઇ વસાણી અને પરાગભાઇ તેજુરાના આમંત્રણને માન આપી રાજકોટની મુલાકાતે આવેલા અને અહી જસદણ, ચીતલ, શાપર-વેરાવળ વગેરે સ્થળોએ ઔદ્યોગીક એકમોની મુલાકાત લીધી હતી.

જસદણમાં ખેતીવાડીની મશીનરી બનાવતા કારખાનાઓની મુલાકાત લઇ જસદણમાં બનતા થ્રેસર મશીન, ટ્રેલર, કટર વગેરે જોઇ જીતુભાઇ ખુબજ પ્રભાવીત થયા હતા અને ટાન્ઝાનીયામાં વપરાતી ખેતીવાડીની મશીનરી, ખેતીમાં ઉત્પાદીત વસ્તુઓ, જમીન વગેરેની વિસ્તાર પૂર્વક માહિતી પણ આપી હતી અને અહીની બધી જ મશીનરીની ત્યાં ખુબ જ ડીમાન્ડ મળી રહેશે તેમ જણાવ્યું હતું.

ટાન્ઝાનીયા સરકાર પણ ખેતીવાડીને ખુબ જ અગ્રતા આપે છે અને ત્યાં સરકાર દ્વારા ખેતીવાડીને લગતી મશીનરી ઉપર કોઇપણ જાતનો ટેકસ લેવામાં આવતો નથી અને ટાન્ઝાનીયામાં બનાવેલ કોઇપણ વસ્તુ જો ઇસ્ટ આફ્રિકાના બીજા દેશો યુગાન્ડા, કેન્યા, રૂવાડા વગેરે દેશોમાં મોકલવામાં આવે તો જે તે  દેશમાં કોઇ ઇમ્પોર્ટ ડયુટી લાગશે નહી આથી આ બધા દેશોની ડીમાન્ડનો પણ લાભ મળી શકવાની ખાત્રી  આપી હતી.

સલામતી વિશેના પ્રશ્નનાં ઉતરમાં તેમણે જણાવ્યું હતું કે ત્યાં સલામતીની કોઇ સમસ્યા નથી ક્રાઇમ રેટ ખુબજ ઓછો છે ત્યાં  આવનાર  કોઇએ સલામતીની કોઇ ચિંતા કરવા જેવી ન હોવાનું  કહયું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટાન્ઝાનીયામાં મોટા-ભાગની વસ્તુઓ આયાત કરવામાં આવે છે. સરકાર ઇચ્છે છે કે અહીયા ઉદ્યોગોનો વિકાસ થાય હાલ ટાન્ઝાનીયા સરકાર વિવિધ વિસ્તારોમાં ઔદ્યોગિક ઝોન પણ બનાવી રહી છે અને ત્યાં ખેતીવાડીને લગતી મશીનરી, ઓઝારો, સોલાર પંપ, સોલાર લાઇટીંગ, ગ્રીન હાઉસ, પ્લાસ્ટીક ઉદ્યોગ, મીનરલ વોટર, ઠંડાપીણા વગેરે ઉદ્યોગોની ખુબ જ ડિમાન્ડ મળી શકે તેમ છે.

આ તકે જસદણ એન્જીનીયરીંગ એસોસીએશનના હોદેદારો વિજયભાઇ રાઠોડ, ગોરધનભાઇ બાંભણીયા, હિંમતભાઇ છાયાણી વગેરેએ જીતુભાઇ સોની, દિનેશભાઇ વસાણીનું સ્વાગત અને સન્માન કર્યુ હતુ.

ત્યારબાદ અમરેલીના ચિત્તલ ગામે પણ ત્રણ પૈડાવાળુ ટ્રેકટર જોવા ગયા હતા અને જોઇને ખુબજ પ્રભાવિત થયા હતા અને ટાન્ઝાનીયામાં કયાં કયાં વિસ્તારમાં આ ચાલે તેમ છે તેની પણ માહિતી આપી હતી.

આ ઉપરાંત શાપર-વેરાવળમાં પીવીસી અને એચડીપીઇ પાઇપ તેમજ પ્લાસ્ટીક ફેકટરીઓની પણ મુલાકાત લીધી હતી.

ટાન્ઝાનીયામાં કેબીનેટ મંત્રી જેટલો હોદો ધરાવતા જીતુભાઇ સોનીએ પોતાના માદરે વતનમાં બધા કારખાનેદારોને ટાન્ઝાનીયાની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યુ હતુ અને ત્યાં મુલાકાત દરમિયાન બધી જ મદદ કરવાનું અને માર્ગદર્શન આપવાની ખાત્રી આપી હતી.

આગામી દિવસોમાં કારખાનેદારો ટાન્ઝાનીયા જવાના પણ છે મુળ ભારતના અને પેઢીઓથી ટાન્ઝાનીયા સ્થાયી થયેલા જીતુભાઇ સોનીની સૌરાષ્ટ્રની મુલાકાતથી ખેતીવાડીને લગતી મશીનરી અને ખેત ઓઝારોના વેપારના નવા દ્વાર ખુલશે તેવુ જસદણ એન્જી. એસો.ના વડીલ જે.પી.રાઠોડે જણાવ્યુ હતુ.

સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન જીતુભાઇ સોની ખુબજ પ્રભાવિત થયા હતા અને ફરી પાછા કારખાનાઓની મુલાકાતે આવવાની ઇચ્છા પણ વ્યકત કરી હતી. બધા કારખાનાઓની મુલાકાત માટે સુંદર વ્યવસ્થા કરવા બદલ અને સાથે રહી સમય આપવા બદલ દિનેશભાઇ વસાણીનો અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગભાઇ તેજુરા અને મુલાકાત દરમિયાન સહયોગ આપનારા દરેક કારખાનેદારોનો જીતુભાઇ સોનીએ આભાર માન્યો હતો.

આગામી દિવસોમાં જસદણ-ચિત્તલ સહિત ખેત ઓઝારો અને મશીનરી ઉત્પાદીત કરતા કારખાનેદારો ટાન્ઝાનીયાની મુલાકાતે પણ જવાના હોય ટાન્ઝાનીયાની મુલાકાતે પણ જવાના હોય ટાન્ઝાનીયા સાથે ખેત ઓઝારો અને મશીનરી માટે વેપારના નવા દ્વાર ખુલવાની આશા બંધાયેલ છે.

(11:27 am IST)